૨૦૧૫ બાદ ચીને પ્રથમ વખત ૧૩ લાખ ટનથી વધુનો સ્ટીલનો જથ્થો ભારત પાસેથી ખરીદ્યો
ચીન વિશ્ર્વનું સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ પૈકીનું એક છે. ભારત પણ અત્યાર સુધી ચીનમાંથી સ્ટીલ મંગાવતું હતું. ખુબ ઓછા દરે સ્ટીલ ભારતમાં આવતું હોવાથી એન્ટી ડમ્પીંગ ડયૂટી નાખવાની પણ વાત થઈ હતી. અલબત હવે પરિસ્થિતિ સાવ વિપરીત બની ચૂકી છે. એપ્રીલથી જુલાઈ મહિનાની અંદર ભારતમાંથી ખુબ મોટા પ્રમાણમાં ચીનમાં સ્ટીલ ઠલવાયું છે.
એપ્રીલથી જુલાઈ મહિનાની અંદર ૪૦ લાખ ટન સ્ટીલ પ્રોડકટ વિશ્ર્વ માર્કેટમાં ભારતીય કંપનીઓએ ઠાલવી હતી. જેમાંથી વિયેતનામે ૧૦.૩૭ લાખ ટન જ્યારે ચીને ૧૦.૩૦ લાખ ટન સ્ટીલ ખરીદ્યુ હતું. ગત ૨૦૧૫-૧૬માં આવડો મોટો જથ્થો ચીને ખરીદ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત એવું બન્યું છે કે, ચીને મોટા પ્રમાણમાં ભારતીય સ્ટીલની ખરીદી કરી હોય. અત્યાર સુધી વિયેતનામ ભારતનું રેગ્યુલર ગ્રાહક રહ્યું છે. ઈટાલી અને બેલ્જીયમ પણ ભારતીય સ્ટીલની ખરીદી કરે છે પરંતુ ચીને છેલ્લા ૬ મહિનામાં આ તમામને પાછળ છોડી સૌથી વધુ સ્ટીલને ખરીદી ભારત પાસેથી કરી છે.
ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળ્યા છતાં ચીનની કંપનીઓ મોટા પ્રમાણમાં ભારતીય સ્ટીલની ખરીદી કરી રહી છે. ૧ ટન દીઠ ૫૦ ડોલરનું ડિસ્કાઉન્ટ અત્યારે ભારતીય કંપનીઓ આપી રહી છે. ચીનના સ્ટીલ ઉત્પાદકો કોઈલ અને બીલેટમાં ટન દીઠ ૫૦૦ ડોલર વસુલે છે.
જ્યારે ભારતીય સ્ટીલ ૪૫૦ ડોલરની નજીક રહે છે. કોઈલનો ઉપયોગ ઓટો મોબાઈલના પાર્ટસ, પાઈપ, એન્જીનીયરીંગ અને સૈન્યની વસ્તુઓ બનાવવા થાય છે. ભારતમાં ઉત્પાદન થયેલી ૮૦ ટકા કોઈલ ચીન અને વિયેતનામે ખરીદી લીધી છે. હજુ ૩૦ હજાર ટન જેટલી કોઈલનો જથ્થો ઓકટોબર મહિનામાં ચીનમાં ઠલવાશે.