મહેન્દ્ર જોષીનું સાહિત્ય એવોર્ડથી સન્માન
રાષ્ટ્રીય શાયર અને જેમની કર્મભૂમિ બગસરા છે તેવા ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૪મી જન્મજયંતી ની શાનદાર ઉજવણી બગસરા નગરપાલિકા તથા મેઘાણી હાઈસ્કુલ દ્વારા કરવામાં આવેલ. આ સાથે લોક સાહિત્ય ક્ષેત્રે જેમનું ખુબ જ પ્રદાન છે તેવા સાહિત્યકાર મહેન્દ્રભાઈ જોષીને સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ અને મેઘાણી સ્મારક ખાતે મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા સ્મરાંજલી અર્પણ કરાઈ હતી.
આ તકે એવોર્ડ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સાહિત્યની કદર કરનાર નગરપાલિકાને અને સાહિત્ય ક્ષેત્રે મને આગળ કરનાર મારા પરિવાર થકી આ એવોર્ડનો હકદાર બનેલું છું. મેઘાણીજીને નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીયા, પૂર્વ પ્રમુખ રશ્ર્વિનભાઈ ડોડીયા, એ.વી.રીબડીયા, શિવજીભાઈ રૂખડા સહિતના આગેવાનોએ મેઘાણીજીને સ્મરાંજલી આપી યાદ કર્યા હતા.
આ કાર્યક્રમમાં શહેરના સાહિત્યકારો, પાલિકાના સદસ્યો, વિવિધ સંસ્થાના આગેવાનોએ મહેન્દ્રભાઈ જોષીને સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિતેષ ડોડીયાએ કરેલ જયારે આભારવિધી મેઘાણી હાઈસ્કુલના આચાર્ય રામસીંગ પરમારે કરી હતી.