મિત્રે પૈસાની લાલચ આપી યુવતીને રિક્ષામાં બેસાડયા બાદ અવધ ખાતે લઈ જઈ અન્ય ત્રણ મિત્રોની મદદગારીથી ગેંગરેપ કર્યો: ત્રણેય આરોપી પોલીસ સકંજામાં
શહેરના કાલાવડ રોડ ઉપર આંબેડકરનગર પાસે યુવતીને રિક્ષામાં બેસાડી અવધ બંગલો પાછળ લઈ જઈ રિક્ષા ચાલક સહિત ત્રણ શખસોએ બળજબરીથી સામૂહિક દૂષ્કર્મ ગુજાર્યા અંગેની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલીક ત્રણેય દૂષ્કર્મીઓને ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર ભીમરાવ ચોક પાસે રહેતી એક યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આંબેડકર આવાસ કવાર્ટરમાં રહેતા નૈમિષ પ્રવિણભાઈ સોલંકી, પરિમલ ત્રિભોવનદાસ સોલંકી અને હિતેષ મુકેશભાઈ રાઠોડ સામે રિક્ષામાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ સામૂહિક દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૬-ડી, ૫૦૬-૨ મુજબ ગેંગરેપનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર યુવતી કારખાનામાં કામ કરે છે. તાજેતરમાં તેને પૈસાની જરૂરત પડતા તેના મિત્ર નૈમિષ સોલંકીને ફોન કરી રૂા.૪૦૦ હાથ ઉછીના આપવા માંગણી કરી હતી. જેમાં નૈમિષે યુવતીને આવાસ કવાર્ટર પાસે બોલાવી રિક્ષામાં બેસાડી હમણા પૈસા આપુ છું કહી કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે લઈ ગયો હતો. આ રીક્ષામાં નૈમિષ સોલંકી સાથે પરિમલ સોલંકી પણ હાજર હતો. રિક્ષાને અવધ ઢાળીયા પાસે રાતના સમયે ગોળ-ગોળ ફેરવ્યા બાદ અવધના ઢોળા પાછળ લઈ જઈ યુવતીને બળજબરીથી રિક્ષામાંથી ઉતારી પરિમલ સોલંકી તથા તેના સગા હિતેશ મુકેષ રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર યુવતી રોતી-કકડતી આજીજી કરતી રહી, પરંતુ હવસખોર હિતેષે ફરી વખત યુવતીનું બાવડુ પકડી અન્ય જગ્યાએ લઈ જઈ બીજી વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સમયે નૈમિષ સોલંકી રીક્ષા લઈ જતો રહ્યો હતો. બાદમાં પરિમલ સોલંકી, હિતેષ રાઠોડે યુવતીને અમે લોકો માથાભારે છીએ જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ત્રીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. ચાર દિવસ સુધી યુવતી પોતાના પરિવારજનો કે કોઈને જાણ ન કરી હતી પરંતુ મિત્ર શૈલેષ સોઢાએ આખી વાત જાણી લઈ યુવતીને પ્રોત્સાહન પૂરું પાડી ફરિયાદ નોંધાવાનું કહ્યું હતું. અંતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ આર.એસ.ઠાકર, રાયટર ગીરીરાજસિંહ અને એસીપી જે.એસ.ગેડમની ટીમે તાત્કાલીક મહિલા પોલીસ ટીમના પીઆઈ એસ.આર.પટેલને જાણ કરી ત્રણેય આરોપી ધરપકડ કરી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.