૨૨૭૯ સેમ્પલીંગ ટેસ્ટમાંથી વધુ ૩૭ કોરોનાગ્રસ્ત: કુલ કેસ ૩૦૦૦ નજીક
રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોના પોતાનું બિહામણુ સ્વરૂપ દાખવી રહ્યો છે. એક દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાંથી ૬ કોરોના પોઝીટીવ દર્દીઓની જીંદગી હણાઈ ગઈ છે.
એક તરફ કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતઓની અંતિમવિધિ માટે કલાકો સુધી વેઈટીંગમાં રહેવુ પડે છે તો બીજી તરફ દિવસેને દિવસે ટપોટપ થતા મોતના કારણે તંત્ર ઉંધા માથે પડયું છે. વધુ લીધેલા ૨૨૭૯ ટેસ્ટીંગમાંથી ૩૭ લોકોના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા શહેરમાં કુલ કેસની સંખ્યા ૩૦૦૦ નજીક પહોંચી છે.
સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી કોરોના પોઝીટીવ આવતા દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો સારવાર માટે કેન્દ્ર સ્થાને રહી છે ત્યારે દિન-પ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓ રાજકોટમાં ઉભરાઈ પડતા હાલ પરિસ્થિતિ સુરત જેવી લાગી રહી છે તો બીજી તરફ રાજકોટમાં પણ શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જુદા-જુદા ગામના સારવાર લેતા કોરોના પોઝીટીવ ૧૬ દર્દીઓના અને ખાનગી હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોત નિપજતા એક જ દિવસમાં વધુ ૨૨ દર્દીઓને કોરોના હણી ગયાનું જાણવા મળ્યું છે.
દરરોજ સરેરાશ ૧૫ થી ૨૦ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજતા શહેરના સ્મશાનગૃહો પણ મૃતદેહોથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓને અંતિમવિધિ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે તેમ છતાં પણ તંત્રની મેનેજમેન્ટની આંખ હજી ખુલ્લી ન હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેરી વિસ્તારમાં લેવાયેલા ૨૨૭૯ સેમ્પલીંગ ટેસ્ટમાંથી આજરોજ વધુ ૩૭ લોકોના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ૬૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા ત્યારે આજ બપોર સુધીમાં વધુ ૩૭ પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં કુલ કેસનો આંકડો ૩૦૦૦ નજીક પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનનાં જાદુ સમાન દરરોજ બપોરે નિર્ધારીત ૪૦ કેસ પોઝીટીવ નોંધાતા હતા ત્યારે આજરોજ કોર્પોરેશને તે બાબતને ધ્યાને લઈ આંકડામાં ફેરફાર કર્યો છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે વધુ ૩૫ લોકોએ કોરોનાને મ્હાત આપી જીંદગી સામેનો જંગ જીત્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પોઝીટીવ રેટ ૨.૮૫ ટકા જેટલો નોંધાવામાં આવ્યો છે જયારે રીકવરી રેટ ૫૨.૫૫ ટકા નોંધાયો છે અને અત્યાર સુધી ૧૫૨૪ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવાર બાદ ઘરવાપસી કરી છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં મોટાભાગના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં: ઉપકુલપતિ નેગેટીવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ અત્યાર સુધી કુલપતિ સહિત ૩૩ અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૨૧ અધિકારીઓ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સેમ્પલીંગ ટેસ્ટનો રેશિયો વધારવામાં આવ્યો હતો જેમાં વધુ ૧૨ અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારી પણ કોરોના સંક્રમિત થયા છે. સૌપ્રથમ કુલપતિ ડો.નીતિન પેથાણી કોરોનાગ્રસ્ત થયા બાદ ૧૫૦થી ૨૦૦ અધિકારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ૩૩ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ કોરોના પોઝીટીવ નોંધાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩ દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવેલા ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે.જોશીની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે.જોશીની બે દિવસમાં તબિયત વધુ લથડતા તેઓને અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. કુલપતિ સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૩૩ અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. જયારે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.