બાયો ફર્ટીલાઈઝર, બાયો પેસ્ટીસાઈડને સરકારી સબસીડી આપી ખેડૂતો, પશુપાલકો, ગૌશાળા-પાંજરાપોળોને મદદરૂપ થવા અંગે હકારાત્મક ચર્ચા થઈ
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા સમગ્ર દેશમાં દેશીકુળના ગૌસંવર્ધન, ગૌસંરક્ષણ અને ગૌ આધારીત અર્થ વ્યવસ્થાના વિકાસ માટે સતત પ્રવાસ કરી રહયાં છે. હાલમાં જ દિલ્હી ખાતે ભારત સરકારના શીપીંગ, કેમીકલ, ફર્ટીલાઈઝર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે ડો. વલ્લભભાઈ કથીરિયાએ મુલાકાત કરી હતી. બાયો ફર્ટીલાઈઝર્સ, બાયો પેસ્ટીસાઈઝને સરકારશ્રી દ્રારા સરકારની વિવિધ યોજનાઓ થકી સબસીડી, પ્રોત્સાહન આપવામાં આવે અને તે થકી ખેડૂતોની આવક બમણી કરવાના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ થવાય તેમજ પશુપાલકો, ગૌશાળા-પાંજરાપોળોને પણ આર્થિક સહાય પરોક્ષ રીતે મળી શકે તેવી વિષયક પરીણામલક્ષી ચર્ચા અત્યંત હકારાત્મક વાતાવરણમાં આ મીટીંગમાં કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતીઓ અંગે પોતાના અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી અને ડો. વલ્લભભાઈ કથીરીયાને શુભકામનાઓ પાઠવી હતી.