નબળા કામો બદલ કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવા મેયરની સૂચના
જુનાગઢની ગઇકાલે જનરલ બોર્ડની બેઠકમાં શહેરના રોડ, લાઇટ સહિતના વિવિધ પ્રશ્નોએ શાસક અને વિપક્ષ દ્વારા તડાપડી બોલી હતી અને શાસક તથા વિપક્ષ દ્વારા અધિકારીઓ ને આડા હાથે લેવામાં આવ્યા હતા, તો બીજી બાજુ મનપાના મેયર ગુસ્સા અને જુસ્સાથી અધિકારીઓને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે, હવે પછી કામ નહીં થાય તો પગલાં લેવામાં આવશે અને જે કામો નબળા થયા છે તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપી, વિજિલન્સ અધિકારીની નિમણૂક કરવા પણ કમિશનરને સૂચનો કરવામાં આવ્યા હતા.
ગઇકાલે જૂનાગઢ મનપાનું ૧૧૭ મુ જનરલ બોર્ડ શહેરના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી, યોજવામાં આવી હતી પરંતુ જનરલ બોર્ડની કાર્યવાહીની શરૂઆત થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા આદ્રેમાન પંજા તથા વિરોધ પક્ષના કોર્પોરેટર વિજય વોરાએ જૂનાગઢ શહેરના બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ પ્રશ્ન ઉઠાવી જ્યાં સુધી તેનું નિરાકરણ ન થાય ત્યાં સુધી બોર્ડ ના ચલાવવા જણાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. જો કે, થોડા હંગામા બાદ બોર્ડ શરૂ થયું હતું
જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ એ ગુસ્સા અને જુસ્સાથી અધિકારીઓને જણાવી દીધું હતું કે, હવે પછી કામ નહીં થાય તો પગલાં લેવામાં આવશે, પ્રજાજનો અને કોર્પોરેટરના કામનો અધિકારીઓ તાત્કાલિક નિકાલ લાવો, તેમ જણાવી અધિકારીઓને ઠપકો પણ આપ્યો હતો, સાથોસાથ અધિકારીઓને જણાવ્યું હતું કે, રોડ, સ્ટ્રીટ લાઇટના કામો નબળા અને ગુણવત્તા વાળા ના થાય તેની તકેદારી રાખો, તથા વિજિલન્સ અધિકારીની નિમણૂક થાય તે માટે મેયર કમિશનરને તાકીદની સૂચન કર્યા હતા.
ત્યારે ગઈકાલના બોર્ડમાં પણ અધિકારીઓ વર્સીસ કોર્પોરેટર જેવો માહોલ સર્જાયો હતો અને આખે આખા જનરલ બોર્ડમાં અધિકારીઓના વાંકે કામ ન થતાં હોવાના આક્ષેપો સાથે રીતસરની તડી વરસી હતી.