સુરતના ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતા સોમનાથથી લઈ રાજકોટ સુધીના અગ્રણીઓ અને કાર્યકરોમાં ચિંતા: સંપર્કમાં આવેલાને સેલ્ફ કવોરેન્ટાઈન થવા ધારાસભ્યની અપીલ
સૌરાષ્ટ્ર પ્રવાસમાં સી.આર.પાટીલની સાથે રહેલા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. કારણકે તેઓ પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતા. આ બનાવને લઈને સોમનાથથી રાજકોટ સુધીના કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલ તુરંત સૌરાષ્ટ્રના પ્રવાસે નિકળી ગયા હતા. તેઓએ ચાર દિવસ દરમિયાન ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. તમામ જિલ્લાઓમાં તેઓએ ધાર્મિક સ્થળોએ દર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠકનો દોર ચલાવ્યો હતો. સી.આર. પાટીલનાં કાફલામાં અનેક ભાજપ અગ્રણીઓ પણ સમગ્ર પ્રવાસ દરમિયાન જોડાયેલા રહ્યા હતા જેમાં સુરતનાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ સામેલ હતા જોકે આ ધારાસભ્યનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ જાહેર થતા ભાજપમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સી.આર.પાટીલની સાથે સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન છેક સુધી રહ્યા હતા. અહીં તેઓ અનેક કાર્યકરોને મળ્યા હતા. અનેક અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ અનેક લોકોના તદન નજીકથી સંપર્કમાં આવ્યા હોવાની શકયતા સેવાઈ રહી છે જોકે રાહતરૂપી વાત એ પણ સામે આવી રહી છે કે, સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતા. આ દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ એવું ટવીટ કર્યું હતું કે જે-જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ સેલ્ફ કવોરન્ટાઈન થાય. આમ તેઓએ સંપર્કમાં આવેલાને કવોરન્ટાઈન થવાની અપીલ કરી છે.
કોરોના વોરિયર્સ હર્ષ સંઘવીને ‘પોઝિટિવ’ કોરોના
કોરોના વોરીયર્સ એવા ધારાસભ્ય હર્ષ સંઘવી ૧૦૦ બેડની હોસ્પિટલ ચલાવે છે. સોશિયલ મીડિયામાં તેઓની પોઝીટીવીટીના અનેક વિડીયો વાયરલ થયા છે. કોરોનાનાં દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે તેઓ સતત કાર્યશીલ રહે છે. ઉપરાંત એક વિડીયોમાં તેઓ એક કોરોનાગ્રસ્ત દર્દીનાં જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરતા પણ નજરે પડયા હતા. ઉપરાંત લોકડાઉનની સ્થિતિમાં પણ હર્ષ સંઘવી ખરાઅર્થમાં કોરોના વોરીયર્સ સાબિત થયા હતા.
હર્ષ સંઘવી સુરતમાં ૧૦૦ બેડની હોસ્પિટલ ચલાવે છે ત્યાંથી તેઓ સંક્રમિત થયા: સી.આર.પાટીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ ઘટના વિશે અબતકને જણાવ્યું હતું કે, ધારાસભ્ય હર્ષ સંઘવી સુરતમાં ૧૦૦ બેડની હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલમાંથી તેઓ સંક્રમિત થયા છે. સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હર્ષ સંઘવીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવીને રાજકારણ રમી રહ્યું છે.
શિસ્તબઘ્ધ કહેવાતા ભાજપને અશિસ્ત બદલ કુદરતની મોટી થપાટ: અશોક ડાંગર
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર પ્રવાસે આવેલા સી.આર.પાટીલની સાથે રહેલા ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તે શિસ્તબઘ્ધ કહેવાતી પાર્ટી ભાજપને અશિસ્ત બદલ કુદરતે મારેલ મોટી થપાટ છે. કોરોનાગ્રસ્ત હર્ષ સંઘવીએ આ પ્રવાસ દરમિયાન વર્તમાન પરિસ્થિતિની ભાન ભુલીને રાસડા પણ લીધા હતા. સી.આર.પાટીલની આગતા સ્વાગતામાં સ્થિતિની ગંભીરતા ભુલીને ભાજપે જે મેળાવડા કર્યા હતા તે હવે ભારે પડવાના છે. ભાજપનાં નેતાઓની ભુલે તેના અનેક કાર્યકરો, વિવિધ સંગઠનો અને સામાન્ય પ્રજાને જોખમમાં મુકી દીધા છે. એક તરફ લગ્ન કે મરણોતર પ્રસંગમાં લોકોને એકત્ર થવાની શકયતા મર્યાદિત રાખવામાં આવી રહી છે. જયારે ભાજપનાં નેતાઓના તાયફાઓ તેમજ મેળાવડાઓમાં કોઈ મર્યાદા રખાતી નથી. આમ જાણે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે, હર્ષ સંઘવીએ ટવીટર ઉપર તેઓના સંપર્કમાં આવેલાને કવોરન્ટાઈન થવાનું કહ્યું છે ત્યારે હવે શું સોમનાથથી લઈ રાજકોટ સુધીનાં ભાજપના કાર્યકરો અને ખુદ સી.આર.પાટીલ કવોરન્ટાઈન થાય છે કે કેમ ? અને તંત્ર આ ઘટનાને લઈ હરકતમાં આવે છે કે કેમ?