ત્રણ દિવસ સુધી પાડોશી માતા-પુત્ર સહિત નામચીન શખ્સે તલવાર સાથે ધમાલ મચાવી વિસ્તારને બાનમાં લીધો: ગુનો નોંધાવામાં પોલીસની લાચારી કે લાપરવાહી ?
કોઠારીયા રોડ પર આવેલી ગુરૂજન સોસાયટીમાં વિપ્ર યુવક પાસે ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર પડેલા વાહનમાં તોડફોડ કર્યા અંગેની ભકિતનગર પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઇન્દીરાનગર મેઇન રોડ પર ગુરૂજન સોસાયટીમાં રહેતા ચશ્માની દુકાનમાં કામ કરતા વૈભવ વીનુભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૩) એ ગત તા.રપના રોજ પોતાના ઘરે હતો. ત્યારે પાડોશી કલ્પેશ રાજેશ ચૌહાણ તેની માતા મંજુલાબેન ચૌહાણ તથા નામચીન રવિ ગોસ્વામી ઉર્ફે ભૂરીયાએ ખોટી રીતે યુવાન પાસે પૈસાની ઉધરાણી કરી ઝડઘો કર્યો હતો. બાદમાં વિપ્ર યુવાને ડેલી નાહી ખોલતા મહીલા સહીત ત્રણેય શખસોએ ડેલી પર પથ્થરના છુટા ઘા કર્યા બાદ ઘર બહાર પડેલા ભાડુત લખનના બાઇકમાં તલવાર ઝીંકી તોડફોડ કરી નાશી છુટયા હતા. વિપ્ર યુવાને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા પીસીઆર વાન મારફતે મદદ મેળવી ભકિતનગર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. બનાવ અંગે વિપ્ર યુવકની ફરીયાદ પરથી માતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ભકિતનગર પોલીસે મારા મારી, ધમકી તોડફોડ સહીતની કલમો હેઠળ ગુનો નોંઘ્યો છે. એ.એસ.આઇ. ભરતસિંહ બી. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કોઠારીયા વિસ્તારમાં નામચીન શખ્સોનો આંતક વઘ્યો છે ત્રણ દિવસથી ખુલ્લી તલવાર સાથે શખ્સો વિપ્ર યુવકના ઘર પાસે ધમાલ ચકડી મચાવ્યા બાદ લત્તાવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. માતા-પુત્ર સહિત નામચીન શખ્સ સામે ગુનો નોંધવામાં પોલીસ લાચાર બની છે કે લાપરવાહી દાખવી હતી સહીતના પ્રશ્ર્નો લત્તાવાસીઓએ ઉઠાવતા અંતે ત્રણ દિવસ બાદ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.