ઝારખંડના જામતારામાંથી છેલ્લા ઘણા સમયથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડની છેતરપિંડી ચાલી રહી છે. થોડા સમયથી છેતરપિંડી ઓછી છે, પરંતુ હજી સુધી તે સંપૂર્ણ બંધ થઈ નથી. તાજેતરમાં જામતારા નામની નેટફ્લિક્સ સિરીઝ પણ આવી હતી. ત્યારબાદ આ ગામ અંગે લોકો બધું જાણતા થયા છે.
વિગતો મુજબ, હવે ફરી એકવાર જામતારાથી છેતરપિંડીની ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે ઇ-સિમ ફિશિંગથી છેતરપીંડી થઈ રહી છે.
23 જુલાઈના રોજ ઇ-સીમ કાર્ડ અદલાબદલીની છેતરપિંડી વિશેની માહિતી સાયબર પોલીસ કમિશનરના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. આ ટ્વિટમાં લખ્યું છે કે, ‘સાયબર ગુનેગાર લોકોને છેતરવા માટે નવીન રીતો અપનાવી રહ્યા છે. પોતાને મોબાઈલ કંપનીના કર્મચારી બતાવીને કોલ કરવામાં આવે છે. ત્યારબાદ પીડિતના ડેટા મેળવી લે છે.
ઇ-સિમ છેતરપિંડી નવી નથી અને ભારતમાં ઇ-સિમ ફ્રોડ દ્વારા ઘણા છેતરપિંડી થઈ ચૂકી છે.
ઇ-સિમ એટલે શું?
બે પ્રકારનાં સિમ અસ્તિત્વમાં છે. એક ભૌતિક અને બીજું વર્ચુઅલ. ભૌતિક સિમ ફોનના કાર્ડ સ્લોટમાં મુકવામાં આવે છે. જ્યારે તમારે ફોનમાં ઇ-સિમ મૂકવાની જરૂર નથી અને તે ઘણા ફોનમાં પહેલેથી ઇનબિલ્ટ હોય છે.