ચોટીલા સ્થિત તેઓના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલી અર્પણ કરાશે જયંતિ નિમિતે જરૂરતમંદોને જીવન ઉપયોગી સામગ્રી વિતરણના સેવાયજ્ઞનો પ્રારંભ
મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી — ૨૮ ઑગસ્ટ ૨૦૨૦ ને શુક્રવારે ચોટીલા સ્થિત એમના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ‘ભાવાંજલિ અર્પણ થશે. જન્મભૂમિ ચોટીલા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળો : બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ, ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ભરી અદાલતમાં, ધીરગંભીર અવાજે, એમનું સ્વરચિત ગીત છેલ્લી પ્રાર્થના ગાયું ને વિશાળ જનમેદની અને મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ આંસુભીની થઈ ગઈ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ, શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (હાઈસ્કૂલ), ભાવનગર અને જૂનાગઢ (કોલેજમાં અભ્યાસ), બગસરા (વડવાઓનું વતન) ખાતે પણ શ્રધ્ધાસુમન અર્પણ કરાશે.
૧૨૪મી મેઘાણી-જયંતી નિમિત્તે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનાં સેવાયજ્ઞનો આરંભ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયો છે જે ખાસ ઉલ્લેખનીય છે. જરૂરીયાતમંદ પરિવારોને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્તાની ૪૦ કીલો જેટલી સામગ્રીનું ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજનાં ‘કોરોના વોરિયર’ સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને વિશેષરૂપે સહાય આપવામાં આવે છે.
અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં તેઓનો જન્મ થયો હતો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે : આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ. દશા શ્રીમાળી જૈન વણિક એવા મેઘાણી-પરિવારના વડવાઓનું મૂળ વતન અમરેલી જિલ્લામાં સાતલ્લી નદીને કાંઠે વસેલું ભાયાણીનું બગસરા.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા પુસ્તકાલયની સામે આવેલું છે. ભારતના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઊજવણી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું.
૨૦૨૧માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી આવે છે તે નિમિત્તે ચોટીલા સ્થિત જન્મસ્થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય ‘સ્મારક-સંકુલ તરીકે વિકસાવવામાં આવે તેવી વિશ્વભરમાં વસતાં સેંકડો ગુજરાતીઓની લોકલાગણી છે.