૧, ૨ અને ૩ બીએચકેના ૩૦૭૮ ફલેટના ડ્રોની તારીખ હવે જાહેર કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ૧, ૨ અને ૩ બીએચકેના ૩૦૭૮ આવાસ માટે લોકાર્પણ તથા અલગ અલગ વિસ્તારોમાં બનનાર ૩૩૨૪ આવાસ માટેનો ખાતમુહૂર્ત આવતીકાલે ગુરૂવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે યોજાવાનું હતું.
અનિવાર્ય સંજોગોના હિસાબે આ કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમોની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વોર્ડ નં.૧, ૧૦ અને ૧૧માં અલગ અલગ વિસ્તારોમાં એલઆઈજી પ્રકારના ૧૨૬૮ અને એમઆઈજી પ્રકારના ૧૨૬૮ ઉપરાંત વોર્ડ નં.૧૧માં ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૫૪૨ સહિત કુલ ૩૦૭૮ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે.
જેના માટે લાભાર્થીઓ પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે. આ આવાસની ફાળવણી કરવા માટે આવતીકાલે ગુરૂવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વોર્ડ નં.૧૧ અને ૧૨માં ઈડબલ્યુએસ-૧ પ્રકારના ૧૬૪૮ અને ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૧૬૭૬ સહિત કુલ ૩૩૨૪ આવાસ બનાવવામાં આવનાર છે.
જેનું ઈ-ખાતમુહૂર્ત પણ આવતીકાલે યોજાવાનું હતું. આ બન્ને કાર્યક્રમો હાલ મુલત્વી રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂડા દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા આવાસોનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે જેનું પણલોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.