બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ જે હાલ ઓરિસ્સાના તટ પ્રદેશ થઈ ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ થઈ શનિવારે ગુજરાતમાં પહોંચશે
આગામી ૩ દિવસ રાજયમાં વરસાદની તીવ્રતા ઘટશે તેમજ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યું છે જેની અસર ગુજરાત પર વર્તાશે. ૨૯ ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજયમાં અત્યારસુધી સરેરાશ ૧૦૭ ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી ૨૮ ઓગસ્ટ સુધી સામાન્ય ઝાપટાં પડવાની શક્યતા છે. શનિવારની ફરી પાછો વરસાદી માહોલ જામે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં અલગ-અલગ દિવસે રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં મદયમથી ભારે વરસાદ પડશે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે હાલ ઓડિસ્સાના તટ પ્રદેશ થઈ ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ થઈ શનિવારે ગુજરાતમાં પહોંચશે અને રાજ્યમાં શનિવારથી ફરી પાછો વરસાદી માહોલ જામશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી જ વરસાદની માત્રા અને વિસ્તારોમાં ઘટાડો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં તડકો પણ જોવા મળ્યો હતો આજે પણ સવારથી જ સૌરાષ્ટ્રભરમાં સૂરજદાદાએ દર્શન દીધા હતા. જોકે આગામી સમયગાળામાં પવનનું પણ જોર વધશે અને ૨૮ મી સુધી ઝાપટાનો દૌર યથાવત રહેશે. તા.૨૯ થી સિસ્ટમનો અપરએર સાયકલોનોક સર્ક્યુલેશન મદયપ્રદેશ પર છવાશે અને આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ પડશે અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકામા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ બનાસકાંઠામાં ૭૨ મીમી, કરછના લખપતમાં ૬૯ મીમી, અંજારમાં ૪૨ મીમી, ભુજમાં ૨૩ મીમી વર્ષદ૫ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના ૧૮ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં મહેસાણા જિલ્લામાં ૧૦ મીમી, કરછમાં ૭ મીમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રભરમાં સવારથી જ તડકો જોવા મળ્યો હતો. આગામી ૩ દિવસના વિરામ બાદ રાજયમાં મેઘરાજા સટાસટી બોલાવે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
જામનગરમાં મોડી રાતે ૨.૪ની તીવ્રતાનો આંચકો
એકબાજુ વરસાદ અને બીજીબાજુ ભૂકંપનાં આંચકા આવી રહયા છે ત્યારે ગઈકાલે મોડીરાતે ૨:૧૫ કલાકે જામનગરથી ૨૯ કિમી દૂર ૨.૪ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.છેલ્લા ૧ માસથી સતત આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.