ધો.૧૦-ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનો પ્રારંભ
ધો.૧૦ના ૧૧ વિદ્યાર્થી અને ધો.૧૨ના ૩૫ વિદ્યાર્થીઓ રહ્યાં ગેરહાજર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે રાજ્યભરમાં ધો.૧૦માં દોઢ લાખથી વધુ વિદ્યાર્થી અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ ત્રણ દિવસ સુધી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા આગામી ૨૭મી ઓગષ્ટ સુધી ચાલશે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ૩૩ અને ધો.૧૨ના ૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધો.૧૦ના ૧૧ વિદ્યાર્થી અને ધો.૧૨ના ૩૫ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, આજે પુરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ૩ દિવસ ચાલનારી આ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ૫૯૧૫ વિદ્યાર્થીઓ, ૩૧ બિલ્ડીંગ અને ૨૯૮ બ્લોકમાં પરીક્ષા આપનાર છે. જેમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯૪૦ વિદ્યાર્થીઓ ૫ બિલ્ડીંગ અને ૪૭ બ્લોકમાં પરીક્ષા આપનાર છે. આજે પુરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં ગુજરાતીની પરીક્ષામાં ૩૮ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ૨૭ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા અને ૧૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. જ્યારે અંગ્રેજીના પેપરમાં ૬ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી તમામ હાજર રહ્યાં હતા. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ રાજકોટ જિલ્લાના ૧૦૧ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ૬૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા અને ૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડતા ન પડે કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં ૨૧ તબીબોની ટીમ ખડેપગે રહી હતી. એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી અને હજુ આગામી ૨ દિવસ સુધી ધો.૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.