મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મંજૂરીની જોવાતી રાહ: સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી સાથે આયોજકો ગરબાના આયોજન માટે સજજ: મંજુરી ન મળે તો ઓનલાઈન ગરબા પણ શ્રેષ્ઠ વિકલ્પ
નવરાત્રી આયોજકોના કમલમમાં ધામા; ટુંક સમયમાં નિર્ણય થશે જાહેર
કોરોના વચ્ચે તકેદારી સાથે નવરાત્રી યોજાવાનો ખેલૈયાઓ અને આયોજકો બંને આશાવાદ સેવી રહ્યા છે. જો કે આયોજકો ગરબાના આયોજન માટે સજજ થઈ ગયા છે. જો સરકારની મંજૂરી ન મળે તો ઓનલાઈન ગરબા યોજવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. જોકે તે વાત નકકી છે કે આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકશે.
કોરોનાને કારણે સરકારે હજુ મેળાવડાઓ યોજવા ઉપર અંકુશ રાખ્યા છે. પરંતુ ગુજરાતીઓ ગરબા વગર રહી શકે તેમ નહોય ગરબાના આયોજકો આ વર્ષે પણ ગરબા યોજવાની તૈયારી કરી રહ્યા છે. ગરબાના આયોજકોએ અગાઉ પણ મંજુરી આપવા અર્થે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી હતી વધુમાં આજે પણ તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરવા પહોચ્યા છે.
નવરાત્રી આયોજકોના જણાવ્યા પ્રમાણે જો સરકાર તેઓને નવરાત્રીના આયોજનની મંજૂરી આપશે તો ગ્રાઉન્ડ ઉપર સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર, માસ્ક સહિતની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવશે. કદાચ જો સરકાર નવરાત્રી યોજવાની મંજૂરી નહિ આપે તો આયોજકો દ્વારા ઓનલાઈન ગરબાનું આયોજન કરાશે સરકાર મંજુરી આપે કે ન આપે ખેલૈયાઓ આ વર્ષે ગરબે ધુમશે તે વાતતો નકકી છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી હવે નજીક છે. ગરબા રસીકો ગરબે ધુમવા માટે થનગની રહ્યા છે. આયોજકો ઉપર સતત માંગણીનો ધોધ વર્ષિ રહ્યો છે કે ગરબાનું આયોજન કરવામાં આવે જેથી આયોજકો નવરાત્રીનું આયોજન કરવા સજજ થઈ ગયા છે. હાલ સરકારની મંજુરીની રાહ જોવામાં આવી રહી છે.