૧૨ બેઠકો બિનહરીફ થયા બાદ ૩ બેઠકોની ચુંટણીમાં ધારાસભ્ય રૈયાણી થયા પરાસ્ત : ઢાંકેચા જૂથના ત્રણેય ઉમેદવારોનો ઝળહળતો વિજય
રાજકોટ- લોધિકા સંઘની ચૂંટણી શઆતમાં શાંત રહ્યા બાદ અંતે રાજરમત રમાય હોય ત્રણ બેઠકો કબ્જે કરવા બે જૂથ સામસામા થયા હતા. જેમાં ઢાંકેચા જૂથના ત્રણ ઉમેદવારોએ રૈયાણી જૂથના ત્રણ ઉમેદવારોને પરાસ્ત કરી ઝળહળતો વિજય હાંસલ કર્યો છે. જો કે રૈયાણી ઉપર રાદડિયા જૂથનો જે હાથ હતો તે પાછો પડ્યો હોય તેવું પણ સહકાર ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે.
રા.લો. સંઘની ૧૫ બેઠકની ચૂંટણી બીનહરીફ કરાવવા માટે કેબીનેટમંત્રી જયેશ રાદડીયાએ રૈયાણી અને ઢાંકેચા જૂથને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો કરતા ૧૨ બેઠક બિનહરીફ થઇ હતી. પરંતુ ત્રણ બેઠક માટે સમાધાન ભાંગી પડ્યું હતું. અને ચૂંટણી યોજવાની નોબત આવી હતી.
રાજકોટ-લોધીકા સહકારી સંઘની ૧૫માંથી ૧૩ બેઠક બિનહરીફ થયા બાદ બાકી બચેલી ત્રણ બેઠકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. તેમાં છ ઉમેદવાર સહિત ૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. આ ત્રણ બેઠકોમાં ઢાંકેચા જૂથના લક્ષ્મણભાઈ સિંધવ, નરેન્દ્રભાઈ ભુવા અને ભપેન્દ્રસિંહ જાડેજા સામે રૈયાણી જૂથના પ્રવીણ સખીયા, કરશનભાઈ ડાંગર અને રઘુવીરસિંહ જાડેજા મેદાને પડ્યા હતા. આ ચૂંટણીમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ હતી.
બાદમાં આજે મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં ગ્રુપ ૧૫માં નરેન્દ્રભાઈ ભુવાને ૪માંથી ૩ મત મળતા તેઓનો વિજય થયો હતો. જ્યારે રઘુવિરસિંહ જાડેજાને એક મત મળતા તેઓનો પરાજય થયો હતો. ગ્રુપ ૩માં ભુપેન્દ્રસિંહ જાડેજાને ૫માંથી ૩ મત મળ્યા હતા જેથી તેઓનો વિજય થયો હતો. જ્યારે સામે પ્રવીણભાઈ સખીયાને ૨ મત મળતા તેઓનો પરાજય થયો હતો. ગ્રુપ ૮માં લક્ષ્મણભાઈ સિંધવને ૪માંથી ૩ મત મળતા તેઓનો વિજય થયો હતો. જ્યારે કરશનભાઈ ડાંગરને ૧ મત મળતા તેઓનો પરાજય થયો હતો.
આ ચૂંટણીમાં ધારાસભ્ય રૈયાણી પરાસ્ત થયા છે. રાદડિયા જૂથનો તેઓની ઉપર રહેલો હાથ ક્યાંક પાછો પડ્યો હોવાનું પણ સહકાર ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે.
રા.લો.સંઘની ચુંટણીનું પરીણામ સહકાર ક્ષેત્રે ભાજપનાં ‘સહકાર’માં તુટયું
રાજકોટ મુખ્યમંત્રીનું હોમટાઉન હોય અહીં રાજકીય વિવાદ ન સર્જાય તે માટે અગ્રણીઓ સતત પ્રયત્નશીલ રહે છે. શઆતમાં જિલ્લા બેંકમાં સર્જાયેલા વિવાદને ડામવા પાંચ અગ્રણીઓએ સમાધાન કરાવ્યું હતું ત્યારબાદ રા.લો.સંઘની ચુંટણીમાં પણ પાંચ અગ્રણીઓએ સમાધાનનાં પુરતા પ્રયાસો કર્યા હતા પરંતુ ચુંટણીનું પરીણામ આવતા સહકાર ક્ષેત્રે ભાજપમાં અસહકાર હોવાનું સામે આવ્યું છે હવે આ અસહકાર યાર્ડની ચુંટણીમાં પણ અસર કરે તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. આ ચુંટણીનાં પરિણામે ભાજપમાં કયાંકને કયાંક જુથવાદ હોવાનું છતુ કર્યું છે જોકે સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ આ જુથવાદને નાથવા ભારે કમરકસી હતી પરંતુ તેઓને સફળતા ન મળતા અંતે રા.લો.સંઘની ૩ બેઠકોની ચુંટણી યોજવાની જર પડી હતી.
૩ સીટની હાર છતાં રૈયાણીનો બળાબળીનો ખેલ જારી
ધારાસભ્ય રૈયાણીને રા.લો.સંઘની ચુંટણીમાં ૩ બેઠકો ઉપર હારનો સામનો કરવો પડયો છે છતાં પણ રૈયાણીએ બળાબળીનો ખેલ જારી રાખ્યો છે. ધારાસભ્ય રૈયાણીને તેઓની હારનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે હારનું કોઈ કારણ નથી. જયેશભાઇએ જે નક્કી કર્યું તે બરાબર જ હોય. જયેશભાઈના પ્રયાસોથી બન્ને જૂથને સરખા ઉમેદવાર મળ્યા છે. ઢાંકેચા જૂથ પાસે ૮ ઉમેદવારો છે. તેમ મારી પાસે પણ ૮ ઉમેદવારો છે.