ઢીચડા પંથકમાં આજે પણ પાણીના ટેન્કર દોડે છે
‘મિશન નલસે જલ’ અભિયાનને મિશ્ર પ્રતિસાદ
રાજ્ય સરકારે ગેરકાયદે નળજોડાણોને માત્ર રૃા. પ૦૦ લઈને રેગ્યુલાઈઝ્ડ કરવાનો અને ઝુંપડપટ્ટીઓ તરફથી નળ જોડાણ માટે માંગણી થયેલી તેનો પણ નિયમોનુસાર ’મિશન નલ સે જલ’ અંતર્ગત તત્કાલ નળજોડાણો આપવાનો નિર્ણય કર્યો છે, જેના મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે.
રાજ્ય સરકારે ’મિશન નલ સે જલ’ અંતર્ગત આ પહેલા જેમણે પાણીના ગેરકાયદે નળજોડાણો લીધા હોય, તેને માત્ર રૃપિયા પાંચસો વસૂલ કરીને તેના જોડાણો તો ૩૧ ડિસેમ્બર સુધીમાં રેગ્યુલાઈઝ્ડ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત જો મહાનગરોમાં ઝુંપડપટ્ટી વિસ્તારોની માંગણી અવે, તો તેને પણ નિયમાનુસાર તત્કાલ નળજોડાણો આપવાનું નક્કી કરાયું છે, જેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
એક તરફ સરકાર ગેરકાયદે નળજોણોને માત્ર રૃા. પ૦૦ મા રેગ્યુલાઈઝ્ડ કરવાની વાતો કરે છે અને ઝુંપડપટ્ટીઓને નળજોડાણો આપવાની તૈયારી બતાવે છે, ત્યારે બીજી તરફ રાજ્યના અને શહેરોના ઘણા બધા વિસ્તારોમાં હજુ નથી તો પીવાના પાણીની પાઈપલાઈનો પહોંચી કે નથી નવા જોડાણો અપાયા. આ સ્થિતિ નિવારવાના બદલે નવી જાહેરાતો કરી છે. કદાચ આગામી મહાપાલિકાઓની ચૂંટણીમાં રાજકીય ફાયદો લેવાની ગણતરી હોવી જોઈએ, તેવી ટીકા પણ થઈ રહી છે.
મુખ્યમંત્રીએ આ રાજ્યવ્યાપી જાહેરાત કરી દીધી, પરંતુ તે માટે કોઈ રોડમેપ કે સમયમર્યાદા નક્કી થઈ નથી. જેથી હજુ પણ જ્યારે પીવાના પાણીની પાઈપલાઈનો પહોંચી નથી કે નળજોડાણો અપાયા નથી, ત્યાં ક્યારે પાઈપલાઈનો બિછાવાશે અને ક્યારે પૂરતા પ્રમાણમાં નળજોડાણો અપાશે અને તેમાંથી ક્યારે પાણી પુરવઠો મળશે તે નક્કી થઈ શકે.
જામનગરની વાત કરીએ તો જામનગર ચારે તરફ વિકસી રહ્યું છે, અને ઠેર-ઠેર રહેણાંક મકાનો, ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ્સ અને ટાઉનશીપોનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા દસ વર્ષથી જામનગરની ચારે તરફ ઘણી બધી સોસાયટીઓનું નિર્માણ થયું છે અને તેમાં હજારો લોકો વસવાટ કરે છે. આમ છતાં આ વિસ્તારો પૈકી ઘણા વિસ્તારોમાં હજુ પણ પાઈપલાઈનો પહોંચી જ નથી. તેથી નવા નળજોડાણોની તો આશા જ રાખવી વ્યર્થ છે, કારણ કે પાઈપલાઈનો બિછાવાય તે પછી જ ઘેર-ઘેર નળ જોડાણો આપી શકાય. તે સ્વાભાવિક બાબત છે.
જામનગરના ઢીંચડા તરફ નિર્મિત અને નિર્માણાધિન સોસાયટી વિસ્તારો અને ટાઉનશીપોમાં હજુ પણ પાણી પુરવઠા યોજના પહોંચી નથી અને પાઈપલાઈનો બિછાવાઈ નથી. તેથી ત્યાં પાણી પૂરૃં પાડવા આજની તારીખે પણ ટેન્કરો દોડી રહ્યા છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રી જ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરી ગયા હતાં, તેનો વાસ્તવિક લાભ હજુ સુધી વંતિત લોકો સુધી પહોંચ્યો જ નથી. આને મિશન નલસે જલનો ફિયાસ્કો જ કહેવાય અને સરકારી તંત્રોની વિલંબ નીતિ અથવા અનિર્ણાયક્તા કે ઘોર બેદરકારીના જ દૃષ્ટાંતો ગણી શકાય.
સરકાર ગેરકાયદે નળજોડાણો રેગ્યુલાઈઝ્ડ કરી આપે કે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનો કે નળજોડાણો તત્કાલ પહોંચાડીને પાણી પુરવઠો આપે તો તેને આવકાર પણ મળી રહ્યો છે, પરંતુ આ જાહેરાતોની ગ્રાસ રૃટ પર અમલવારી વિષે હજુ પણ લોકોને આશંકાઓ જાગી રહી છે. લોકોનું કહેવું એવું છે કે હજુ જામનગરની ચારે તરફ આવેલી સોસાયટીઓ તથા નવા વિકસેલા વિસ્તારોને જ નળજોડાણો કે પાઈપલાઈનોનો લાભ પહોંચ્યો નથી, ત્યારે ઝુંપડપટ્ટીને નળજોડાણો આપવાની વાત કોણીએ ગળ ચોંટાડવા જેવી કે ચૂંટણીલક્ષી પ્રોપરગન્ડા જ ગણી શકાય, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.