રસોઈ અથવા ઉકાળા સ્વરૂપે અજમો, લસણ, હીંગ, મરી, લીંડી પીપર વગેરેનો ઉપયોગ પ્રકૃતિ પ્રમાણમાં જ લાભકર્તા અન્યથા શરીર માટે ગરમ હોવાનું જણાવતા વૈદ્યરાજ
અત્યારના વિક્ટ સમયમાં આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર લોકોને ઘણું જ ઉપયોગી થઈ શકે છે. જરુર છે તો માત્ર તેના સમજણ અને વિવેકપૂર્ણ ઉપયોગની. આ અંગે આયુર્વેદાચાર્યનુ માર્ગદર્શન ઘણું ઉપયોગ થઈ શકે છે.
અહિં એક વાતની ખાસ નોંધ લેવી રહી કે જ્યારે શરદી માટે આયુર્વેદિક ઔષધો લેવામાં આવે છે ત્યારે તે કફને પરિપક્વ બનાવીને નાક-મોં વાટે પરિપક્વ કફનો નિકાલ થાય છે. જે લગભગ આપણે બધાએ અનુભવેલુ અને જે અત્યંત જરુરી પણ છે. જો આ કફનો યોગ્ય નિકાલ ન થાય તો તમારી પાચનપ્રણાલી અને રોગપ્રતિરોધક ક્ષમતાને નબળી પાડે છે અને આ રીતે વારંવાર સંચીત થતા કફને કારણે ભવિષ્યમાં અસ્થમા, બ્રોન્કાઈટીસ, સાઈનસાઈટીસ, માઈગ્રેન વગેરે થવાની સંભાવના ખુબ વધી જાય છે, કોરોનાના આ વિપરિત કાળમાં આ પરિસ્થિતી ઘણી હાનીકર્તા છે. તેથી હંમેશા પ્રયત્ન એવો રાખવો કે કફ સુકવવા કરતા તે પરિપકવ થઈ અને શરીરની બહાર નિકાલ થાય.
પથ્ય: (શું કરવું): પીવા માટે નવસેકુ પાણી લેવુ, પિત્તપ્રધાન પ્રકૃતિવાળા વ્યક્તિએ ઉકાળીને સ્વત: ઠરી ગયેલ પાણી ઉપયોગમાં લેવું. નાકમાં બન્ને તરફ ગાયના ઘીના ૨-૨ ટીપા નાખવા. યોગ અને પ્રાણાયામ કરવા (નિષ્ણાતની સલાહ લઈને). ગરમ, તાજો, હળવો અને સુપાચ્ય ખોરાક લેવો. ઘઉંના ખાખરા, પૌવા, મમરા, ઉપમા તથા દાડમ, ચીકુ, સફરજન, પપૈયા જેવા ફળો નાશ્તામાં લઈ શકાય છે. મગ-તુવેર દાળનું ઓસામણ, મેથી-પાલક-તાંદળજાની ભાજી, દુધી-સરગવાનું સુપ લઈ શકાય છે. કારેલા, કંટોલા, પરવળ, દુધી, તુરીયા, ગલકા, શક્કરીયા, સરગવો જેવા શાક ખોરાકમાં લેવા. આ દરમિયાન ઘરમાં ગુગળ, લીમડાના પાન, વજ, કઠ, હરડે, સરસવ, જવ અને ગાયનું ઘી આ બધી જ વસ્તુઓ લઈ ધુપ કરવાથી વાતાવરણ શુધ્ધ થાય છે. સ્વસ્થ્ય વ્યક્તિઓએ થોડો ઘણો પરસેવો વળે તેવો શારીરીક શ્રમ અવશ્ય કરવો જેથી દશવિધ લંઘન સિધ્ધાંતની સાતત્ય જળવાય રહેતા વ્યક્તિનું સારુ સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.
અપથ્ય: (શું નહી કરવું): ફ્રીજનું ઠંડુ પાણી, આઈસક્રીમ, કોલ્ડ્રીંક, ગોલા જેવી ઠંડી વસ્તુઓ ન લેવી. મેંદાવાળી વસ્તુઓ જેમકે બ્રેડ, બિસ્કીટ, ખારી, ટોસ્ટ, સેન્ડવીચ, બર્ગર, પીઝા વગેરે ન લેવુ. કફકર્તા વસ્તુઓ જેમકે કેળા, દહિં, લીચી, ચીઝ, બટર, પનીર, લસ્સી જેવી વસ્તુઓ ન લેવી.તળેલી વસ્તુઓ ન લેવી. પચવામાં ભારે હોય તેવા પદાર્થોનું સેવન ન કરવુ. શક્ય હોય ત્યાં સુધી એસીનો ઉપયોગ ટાળવો.
નોંધ: ધણા લોકો રસોઈમાં અથવા ઉકાળા સ્વરુપે કફનાશક તરીકે અજમો, લસણ, હિંગ, મરી, લીંડીપીપર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ આ બધી વસ્તુઓનો યોગ્ય પ્રમાણમાં અને પ્રકૃતિ પ્રમાણેનો જ ઉપયોગ લાભકર્તા છે, અન્યથા આ વસ્તુઓ શરીરને ગરમ પણ પડી શકે છે. વૈદ્ય સ્તવન શુકલ દ્વારા દોષ, દેશ, દૂષ્ય, કાલ, અને રુતુ અનુસાર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચૂર્ણ સ્વરુપે ઔષધિનુ નિર્માણ કરેલ છે. આ ચૂર્ણ મેળવવા માટે મોબાઇલ નંબર ૯૮૨૪૦ ૯૦૦૦૮ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.