ભારે વરસાદને લીધે ઉદ્દભવેલી સ્થીતી ઉપર નજર રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ ધમધમ્યો
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લીધે ઉદભવેલી પરિસ્થિતિ ઉપર નજર રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ ધમધમ્યો છે. વધુમાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંત, મામલતદારો અને ટીડીઓને કલેકટર તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાનાં એડિશ્નલ ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ પરીમલ પંડયાએ વરસાદનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના બધા જ તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાકમાં સારો વરસાદ નોંધાયેલો છે. જેમાં રાજકોટ ૧૧૬ એમ.એમ., લોધીકામાં ૧૧૯ એમ.એ., ઉપલેટામાં ૯૬ એમ.એમ. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ વાગ્યા બાદ પણ ગોંડલ તાલુકામાં પ થી ૬ ઇંચ જેટલો વરસાદ ચાલુ છે, અને અન્ય સ્થળોએ પણ વરસાદ ચાલુ છે. વિછીંયા સિવાયનાં બધા જ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસયો છે.
ગઇકાલે રાજકોટ અને રાજકોટ જિલ્લામાં વરસાદ પડતા એના કારણે જંગલેશ્ર્વર વિસ્તારમાં ૯૬૪ જેટલા લોકોને સ્થળાંતરીત કરી શાળા નં. ૬૯ અને બેડીપરા ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. એ જ રીતે ૧૧૦ લોકોને ધોરાજીમાંથી સ્થળાંતરીત કરી લોકલ જીનીંગમાં રાખવામાં આવ્યા છે. અને જમવાની વ્યવસ્થા પણ ગોઠવાય છે. હાલ જીલ્લામાં તમામ મામલતદાર, પ્રાંત, ટીડીઓ, પોલીસ ખાતાને એલર્ટ પર રાખવામાં આવ્યા છે,
રાજકોટ શહેરનાં હવાલે ઘંટેશ્ર્વર ખાતે જે એસ.ડી.આર.એફ.ની ટીમ હતી તેને રાજય કક્ષાએથી મંજુરી મેળવી, જેમાં ત્રણ અધિકારીઓ અને ૮૦ જેટલા જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગોંડલ ખાતે પણ એસ.ડી. આર.એફ.ની ટીમ ઉપલબ્ધ છે તો જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા ટીમને તૈયાર રાખવામાં આવી છે અંતમાં રાજકોટ જીલ્લામાં કોઇપણ જાનહાની વરસાદને લઇને થઇ નથી.