રોકડા અને મોબાઈલ સહિત રૂ.૨૫ હજારનો મુદ્દામાલ પડાવી બાઈક પર ફરાર
ધ્રોલના મોટા ઈટાળા ગામે રહેતા પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના બાઈક પર ભેસદડ ચોકડીથી વાગુદડ જવાના રસ્તા પર હતા ત્યારે બાઈક પર આવેલી ત્રિપુટીએ પ્રૌઢને ઢીકાપાટુનો માર મારી રૂા.૫૫૦૦ રોકડા અને મોબાઈલ મળી કુલ રૂા.૨૫૦૦૦ની લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયાની ઘટના ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે રહેતા કેશુભાઈ ડાયાભાઈ મુંગરા નામના ૫૫ વર્ષના પ્રૌઢ પોતાનું જીજે૧૦બીકે-૧૬૩૩ નંબરનું બાઈક લઈ ચણોલ ફતેપર વાડીએ કપાસ જોવા જતા હતા ત્યારે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ ભેસદડ ચોકડીથી વાગુદળ તરફ જવાના રસ્તે પહોંચ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કેશુભાઈ મુંગરાને હાથ ઉંચો કરી ઉભા રાખ્યા હતા. પ્રૌઢે બાઈક ઉભુ રાખતા જ અજાણી ત્રિપુટીમાના બાઈક પર પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે ઉતરી ફરિયાદી પાસે આવી ‘તારી પાસે જેટલા પૈસા હોય એ આપી દે’ તેમ કહેતા પ્રૌઢે પૈસા આપવાની ના પાડતા ત્રણેય શખસોએ કેશુભાઈ મુંગરાને ઢીકાપાટુનો માર મારી તેમની પાસે રહેલી રોકડ રૂા.૫૫૦૦ અને રૂા.૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ લૂંટી લઈ બાઈક પર રફૂચક્કર થઈ ગયા હતા. ફ રાર આરોપી નાસ્તા હતા ત્યારે પ્રૌઢે તેમનો બાઈક નંબર જીજે૦૪-૦૦૨૮ જોઈ જતા ધ્રોલ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસ મથકનાં પીએસઆઈ સી.એમ. ચોટલીયા એ બાઈકના નંબર આધારે લૂટારી ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.