કોવિડ-૧૯ના ઉપયોગ માટે વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગને દવા/સામ્રગી અર્પણ
સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે સામાજીક સંસ્થાઓ અને કંપની દ્રારા કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે આરોગ્યલક્ષી દવા/ વસ્તુઓનું અનુદાન આપવામાં આવી રહ્યું છે. વેરાવળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજે જી.એચ.સી.એલ.ફાઉન્ડેન સુત્રાપાડા દ્વારા કોવિડ-૧૯ના સંક્રમણ અટકાવવા ઉપયોગ લેવા માટે અંદાજીત રૂા.૭ લાખની દવા/સર્જીકલ સાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે જી.એચ.સી.એલ.સુત્રાપાડાની અનુદાનની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમા ઉપયોગમા લેવા માટે સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા દવા અને સર્જીકલ વસ્તુઓનું દાન આપવામાં આવે છે તે ખુબ સારૂ કાર્ય છે. જી.એચ.સી.એલ. ફાઉન્ડેશનના સી.એસ.આર.હેડ પ્રભાતસિંહ મોરીએ સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. સરકારએ જ્યારે પણ કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય ત્યારે અમારી સંસ્થા મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે.
આ પ્રસંગે ડો.બામરોટીયા, ડો.નિમાવત, તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, આર.એમ.ઓ. ડો.જે.એસ.પાધરેસા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા.