ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદમાં ૧૦૧૬ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરતા વિજયભાઈ રૂપાણી
નવા પાંચ બ્રીજના નામકરણની તક્તિનું અનાવરણ
૧૧૮૪ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો
ગુજરાત સરકાર લોકો માટે રસ્તા, પીવાનું શુદ્ધ પાણીનું, વીજળી, ગટર અને ઘરના ઘરનું સ્વપ્નુ પુરૂ કરવા આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે પણ કુલ રૂ.૧૦૧૬ કરોડના પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવા આપણે સૌ કટિબદ્ધ થઈએ તેમ તેમને કહ્યું હતું.
આ પ્રસંગે કહ્યું હતું કે, ભારત સરકારના નલ સે જલ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં બાકી રહેતા તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો નિર્ધાર કરે. મુખ્યમંત્રી આ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદે વિકાસની રફ્તાર અટકવા દીધી નથી. આપણે વિકાસ કામોને ફિઝિકલી નહીં તો ડિજિટલના માધ્યમથી આગળ વધારી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મેટ્રો, ગગનચૂંબી ઇમારતો, રિવરફ્રન્ટ, સાયન્સ સીટી દ્વારા અમદાવાદને હેરિટેજ સીટીની સાથે સાથે વિશ્વકક્ષાના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન અપાવવા કટિબદ્ધ બનવું પડશે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે સાબરમતી, પાલડી અને દાણીલીમડા વોર્ડના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ટેલીફોનિક સંવાદ યોજીને તેમને નવીન આવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ કુલ ૬૧ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરના પાંચ નવીન બ્રિજના નામકરણનું ઇ-તક્તીનું પણ ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૪ આવાસોનો કોમ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૯૫ કરોડના ખર્ચે હાઉસીંગ પ્રોજેક્ટ, રૂ. ૮૮ કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. ૫૯ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ, રૂ. ૨ કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, સીનીયર સિટિઝન પાર્ક અને એએમટીએસ ક્ધસેશન ઓફિસ અને રૂ. ૧૨ કરોડના ખર્ચે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે વોટર બાઉઝર એમ કુલ રૂ. ૨૫૬ કરોડના કામોનું ઇ-લોકાર્પણ ઉપરાંત રૂ. ૩૭૪ કરોડના ખર્ચે તૈયાર થનાર હાઉસીંગ પ્રોજેક્ટ, રૂ. ૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ડ્રેનેજ પ્રોજેક્ટ,રૂ. ૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર વોટર પ્રોજેક્ટ, રૂ. ૧૬ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજ પ્રોજેક્ટ, રૂ. ૩૪ કરોડના ખર્ચે તૈયાર થનાર રોડ પ્રોજેક્ટ, રૂ. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ એક્ષ્ટેન્શન તથા લાયબ્રેરી, રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ડ્રેનેજ નેટવર્ક, જીમ્નેશીયમ કમ વાંચનાલય તથા પાર્ટી પ્લોટ ડેવલપમેન્ટ, રૂ. ૩૭ના કરોડના ખર્ચે તૈયાર થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રૂ. ૧૪ કરોડના ખર્ચે તૈયાર થનાર સોલીડ વેસ્ટ પ્રોજેક્ટ અને રૂ. ૪૫ કરોડના ખર્ચે ઔડાના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકા મેયર બિજલબેન પટેલે ગાંધીનગરથી સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે પણ અમદાવાદ શહેરના સમતોલ અને સંતુલીત વિકાસ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કુલ રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ કુલ ૬૧ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત થવા જઈ રહ્યું છે. મેયર આ પ્રસંગે વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્ય ગૃહ મંત્ર પ્રદિપસિંહ જાડેજા, શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ. કે. દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમજ અમદાવાદ ખાતે વિવિધ લોકાર્પણ સ્થળોએ સાંસદો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.