આવતીકાલથી શુભ હસ્ત નક્ષત્રમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ થનાર છે. કાલથી ૧૧ દિવસ ભકતો પોતાના ઘરોમાં જ દાદાનું સ્થાપન કરી દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન અર્ચન કરશે.
કાલે ભાદરવા સુદ ચોથને શનિવાર સાંજના ૭.૧૦ વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર છે જેને ઉતમ ગણવામાં આવે છે.
આ વર્ષે ગણેશ ઉત્સવ તા. ૨૨ ને શનિવારથી તા.૧.૯ સુધી ચાલશે આ વર્ષે ગણેશ ઉત્સવ દરમ્યાન કોઈ ક્ષયતિથિ કે વૃધ્ધિતિથિ ન હોવાથી પૂરા અગીયાર દિવસ ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે.
ગણપતી દાદાની માટીની મૂર્તી બિરાજમાન કરવી શ્રેષ્ઠ ગણાશે. ગણપતીદાદાએ સળગ અગીયાર દિવસ મહાભારત લખ્યું અને તેના પર માટીના થર જામી ગયેલ આથી ગણપતિ દાદાને જળમાં બોળવામાં આવ્યા આમ માટીના ગણપતી દાદા ઉત્તમ ગણવામાં આવે છે.
ગણેશ ઉત્સવના અગીયાર દિવસ સુધી દરરોજ ગણપતી દાદાની બાર નામ બોલવાથી કોઈ દિવસ વિઘ્ન આવતું નથી ગણપતી દાદાને વિઘ્ન હર્તા કહેવામા આવે છે. દાદાને પુરી શ્રધ્ધાથી પ્રાર્થના કરવાથી સમગ્ર ભારત અને વિશ્ર્વમાં કોરોનાની બીમારીમાંથી રાહત મળી શકે છે.
ગણપતી દાદાનું સ્થાપન લાલ વસ્ત્ર પર ઘઉં પાથરી તેના પરદાદાને બેસાડીને દાદાના બાર નામ બોલતા બોલતા ગણપતી દાદાનું પૂજન કરવું બાજુમાં કળશ ઉપર શ્રીફળ રાખી તેની સ્થાપના કરવી દાદાની સવાર સાંજ આરતી ઉતારવી, ગણપતી દાદાને માથે દુર્વા ખાસ ચડાવવી ગણપતી દાદાને દુર્વા ચડાવવાથી જીવનમાં રાહત મળે છે.
શ્રી સુમુખ, શ્રી એકદંત, શ્રી કપીલ, ગજકર્ણક, લંબોદર, શ્રી વિકટ, શ્રી વિઘ્નનાશક, શ્રી વિનાયક, શ્રી ધુમ્રકેતું, શ્રી ગણાધ્યક્ષ, શ્રી ભાલચંદ્ર, ગજાનન આ બાર નામ બોલી દરરોજ અગીયાર દિવસ સુધી દાદાનું પૂજન કરવું. આમ અગીયાર દિવસ ગણપતી દાદાની સ્થાપના કરી પૂજા કરવાથી જીવનમાં વિઘ્ન આવતા નથી તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદેવ જોષીની યાદીમાં જણાવાયું છે.
ગણેશ ચોથના દિવસે સ્થાપ્નાના શ્રેષ્ઠ મુહૂર્તો
સવારે શુભ મૂહૂર્ત ૮.૦૩ થી ૯.૩૯, બપોરે ચલ મૂહૂર્ત ૧૨.૪૯ થી ૨.૨૫, બપોરે લાભ મૂહૂર્ત ૨.૨૫ થી ૪.૦૦, બપોરે અમૃત મૂહૂર્ત ૪ થી ૫.૩૬, અભિજીત મૂહૂર્ત ૧૨.૨૪ થી ૧.૧૫, દિવસ આથમ્યા પહેલા ગણપતિની સ્થાપના કરી લેવી ગણેશ ચોથના ચંદ્રને ગણપતિ દાદાનો શ્રાપ હોવાથી ગણેશ ચોથનો ચંદ્ર જોવાતો નથી.