સ્વામિનારાયણના સંતો, પૂર્વ રાજયમંત્રીતેમજ ઐતિહાસિક નરસિંહ મહેતાનો ચોરા વગેરેની મૂલાકાત લેતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ
જૂનાગઢ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પ્રવાસના બીજા દિવસે તેમની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાંભાજપા સંગઠનને વધુ મજબૂત કરીને વધુમાં વધુ નાગરિકોને ભાજપાની પ્રજાભિમુખ, રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આહવાન આપ્યું હતું.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપણે સૌએ સંયુક્ત અને પ્રામાણિક પ્રયાસોથી કાર્ય કરી પ્રત્યેક બુથમાં મતદાર યાદીના પ્રત્યેક પેજ ઉપર ભાજપાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આજે જનહિતની ૪૦૦ થી વધુ યોજનાઓ કાર્યરત છે, તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રત્યેક યોજનાનો લાભ ટેકનોલોજીના ઉપયોગ થકી રાજ્યના તમામ લાભાર્થીઓને અપાવવાની ચિંતા કરી, યોગ્ય કાર્યપધ્ધતિ સાથે કાર્ય કરવા ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાને જણાવ્યું હતું.
પાટીલે જૂનાગઢ જિલ્લા કાર્યાલય પહોંચ્યા પૂર્વે રાજ્યનાં પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળના સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, બેઠક બાદ ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત લીધી હતી.
પાટીલની મુલાકાત વેળાએ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.