ડેબ્ટ નહીં પરંતુ ઇકવિટી ભાગીદારીથી કંપનીઓને જોખમથી બચાવીને વિશ્ર્વાસ કેળવવો જરૂરી?
હિન્દુ ધર્મમાં સપ્તપદીનું મહત્વ ખુબજ છે, સપ્તપદીના ૭ વચનો પરણીત યુગલને માત્ર શબ્દો જ નહીં પરંતુ માનસીક, સામાજીક અને આધ્યાત્મિક રીતે એકબીજાને જોડી રાખવામાં ફાળો આપે છે. આ વચનોને પાળવાથી સુખી, આદર્શ અને ખુશહાલ જીવન જીવી શકાય છે. આવી જ સપ્તપદી સરકારને સ્વીકારવી પડશે. વિકાસની ગાડીને પાટે ચડાવવા માટે અત્યાર સુધી અજમાવેલા નુસ્ખાના સ્થાને મક્કમ પગલા લેવા પડશે. કોરોનાના કપરાકાળમાં એવું બન્યું છે કે, અનેક ઉદ્યોગો-કંપનીઓની તબીયત નાદુરસ્ત છે. જેને ફરીથી ધમધમાવવા માટે સરકારે લોન આપવાનું નક્કી કર્યું છે. જો કે, માત્ર લોન આપવાથી ઉદ્યોગો ફરીથી બેઠા થઈ શકે નહીં ઉલ્ટાનું ઉદ્યોગો દેવામાં ધકેલાય જાય. આ વિકલ્પની જગ્યાએ સરકાર કંપનીઓમાં ઈક્વિટી ખરીદી શકે છે.
એકંદરે સરકારને જનભાગીદારી કરવી જોઈએ. કંપનીઓના નફા-નુકશાનમાં પણ ભાગીદાર બનવું જોઈએ. દિવસ પછીના દિવસમાં ભારતીય ઉદ્યોગોની ગરજ આખા વિશ્ર્વને પડવાની છે. પરંતુ અત્યારે જે ઉદ્યોગો તકલીફમાં છે તેને બેઠા કરવા સરકારની પ્રાથમિક જરૂરિયાત છે. સરકાર નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફાસ્ટ્રકચરના ફંડના માધ્યમથી તકલીફમાં મુકાયેલી કંપીનીની ઈક્વિટી ખરીદી શકે છે. આમ કરવાથી વિશ્વસનીયતામાં વધારો થશે. કોરોનાના કપરા સમયમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભુ થયું છે, આર્થિક અંધાધૂંધી સર્જાઈ છે. હવે આ અવિશ્વાસના વાતાવરણમાં સરકાર મક્કમ બની કંપનીઓ ઉપર હાથ રાખવાની જગ્યાએ સાથે ઉભી રહે તે વધુ જરૂરી છે. લોન આપવાથી તો દેવુ વધે, સરકાર કંપનીઓમાં હિસ્સેદાર બને તે આવશ્યક છે. કંપનીઓ દેવા વગરની થઈ જાય તો વધુ ઝડપથી વિકાસ સાધી શકે. ભૂતકાળમાં રિલાયન્સે દેવામુક્ત બની આ વાત સાબીત કરી દીધી છે. અન્ય કંપનીઓને દેવામાં ધકેલાતી અટકાવવા સરકારે માત્ર થોડાક ખર્ચ કરવાની જરૂર છે.
દેશના અર્થતંત્રમાં રિયલ એસ્ટેટ સેકટરનો ખુબ જ મહત્વનો ફાળો છે. કોરોનાના કપરાકાળમાં આ સેકટરને કંપારી છુટી ગઈ છે ત્યારે નેશનલ હાઉસીંગ બેંકના માધ્યમથી રિયલ એસ્ટેટ પ્રોજેકટને સરકાર રાહત આપી શકે છે. ૩૦ થી ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ કોરોનાના કારણે અટકી પડ્યા હોય તેવા પ્રોજેકટમાં સરકાર નેશનલ હાઈસીંગ બેંકના માધ્યમથી ભાગીદાર બની શકે. આવા નિર્ણયથી પ્રોજેકટ લાવનાર બિલ્ડર દેવામાં ધકેલાશે નહીં અને બિલ્ડરના પૈસા પણ છુટા થશે.
અર્થતંત્રની સ્થિતિ સ્થિર કરવા માટે એકંદરે ૭ એવા પગલા છે જે ભરવા સરકાર માટે જરૂરી છે. જેમાં પ્રથમ પગલુ પાવર સેકટરમાં ખાનગી કંપનીઓને નુકશાનમાં જતી અટકાવવી, પાવર સેકટરનું પોલીટીકસ બંધ કરવું, અત્યારે કેટલીક કંપનીઓ ૧૧ ટકા જેટલા લોસમાં છે અધુરામાં પૂરું વીજ ચોરીનો કમરતોડ ફટકો કંપનીઓને પડે છે. આ બાબતે સરકારને ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ખેડૂતો માટે પુરતા પ્રમાણમાં વીજળી આપવી જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં દિવસે સતત વીજળી મળે તો કોલ્ડ સ્ટોરેજ સહિતના બાબતે મક્કમતા આવે. ખેડૂતોની આવક વધશે. એલ્યુમીનીયમ ઈન્ડસ્ટ્રીમાં આયાતી સ્ક્રેપ માટે પણ ક્વોલીટી સ્ટાર્ડડ જાળવવું જોઈએ. ઉપરાંત ઈમ્પોર્ટ ટેરીફ પણ વધારવું જોઈએ. એકંદરે એલ્યુમીનીયમને સસ્તુ બનાવવા પ્રયાસ હાથ ધરવા જરૂરી છે.
અર્થતંત્રમાં બેેન્કિંગ વ્યવસાય પાયાનો પથ્થર છે. સરકારી બેંકોમાં કોઈ કૌભાંડ થાય તો બેન્કરને તુરંત સજા થાય છે. જો કે, કંઈ સારૂ પરિણામ આવે તો સત્કારવામાં સરકાર કરકસર કરે છે. જેથી સરકારી બેંકોના કર્મચારીએ સારૂ કામ કર્યું હોય ત્યારે તેમને યોગ્ય સમયે યોગ્ય પ્રોત્સાહન આપવું સરકાર માટે જરૂરી છે. એકંદરે જેમ ઘર ચલાવવા પતિ-પત્ની સપ્તપદીના માધ્યમથી ભાગીદારી કરે છે તેવી રીતે અર્થતંત્ર ચલાવવા માટે ઉદ્યોગો સાથે મળી સરકારે જનભાગીદારી કરવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, મહામારીના સમયમાં ભારતીય ઉદ્યોગોને મરણતોલ ફટકો પડયો હતો જેને રાહત આપવા માટે મોદી સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું પરંતુ આ રાહત પેકેજ ઘણા અંશે લોનના સ્વરૂપમાં છે જ્યારે સરકારને તો ઉદ્યોગની પડખે રહેવાનું છે. એકંદરે સરકારને જનભાગીદારી કરવી જોઈએ. કંપનીઓના નફા-નુકશાનમાં પણ ભાગીદાર બનવું જોઈએ. દિવસ પછીના દિવસમાં ભારતીય ઉદ્યોગોની ગરજ આખા વિશ્ર્વને પડવાની છે. પરંતુ અત્યારે જે ઉદ્યોગો તકલીફમાં છે તેને બેઠા કરવા સરકારની પ્રાથમિક જરૂરિયાત છે. સરકાર નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફાસ્ટ્રકચરના ફંડના માધ્યમથી તકલીફમાં મુકાયેલી કંપીનીની ઈક્વિટી ખરીદી શકે છે. આમ કરવાથી વિશ્વસનીયતામાં વધારો થશે.