ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જામનગર ખાતે ૧૦૦ બેડની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-ઉદ્દઘાટન કરાયું
જનતામાં જાગૃતિ, સેવાભાવી સંસ્થાઓનો સહયોગ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણને વધુ નિયંત્રિત કરી શકાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ હોસ્પિટલના ઇ-ઉદ્દઘાટન પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે ખંભાળીયા હાઇવે જામનગર ખાતેની ૧૦૦ બેડની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર ખાતેથી ઇ-ઉદ્દઘાટન કરાયું હતું.
મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લોકોની સેવા માટે ૧૦૦ બેડની કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ તૈયાર કરવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં યોગ્ય સારવારની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આર્શિવાદ પણ મળશે એટલે કોરોના સંક્રમિત દર્દીઓને દવા સાથે દુઆ મળશે.
આજે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી બાકાત નથી ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ સામાજિક અંતર, માસ્ક પહેરવો, હાથ સેનેટાઇઝ કરવા તેમજ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ૧૨૦૦ બેડની, સુરતમાં ૧૦૦૦ બેડની તેમજ દરેક જિલ્લામાં ૧૦૦ બેડની કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ યુદ્ધના ધોરણે તૈયાર કરીને રાજ્યમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શક્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા આઈસીયુ, વેન્ટીલેટર, પીપીઈ કીટ, દવાઓ જેવી સુવિધાના કારણે રાજ્યમાં મૃત્યુદર ૨.૩ ટકા જેટલા નીચે લાવી શક્યા છીએ. જ્યારે ગુજરાતમાં રીકવરી રેટ ૭૮ ટકાથી વધુ છે તેમજ હાલમાં પ્રતિદિન ૫૦ હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ગુજરાતમાં ૫૮ ટકા લોકો કોરોનાથી સાજા થઈને ઘરે ગયા છે તેમ તેમને ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાની વચ્ચે “જાન ભી હૈ જહાંન ભી હૈને ધ્યાને રાખીને રોજીંદા કામો કરવા પડશે. આ દરમિયાન કોઇ સંક્રમિત થાય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. કોરોની લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે આપણે સૌએ સાથે મળીને કોરોનાને હરાવવો પડશે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં આ આધુનિક ૧૦૦ બેડની ઈંઈઞ સાથેની આધુનિક સંપૂર્ણ સારવારથી સજ્જ કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ લોકોની સેવા માટે તૈયાર કરીને કોઠારી સ્વામી ગોવિંદપ્રસાદ દાસજી અને તેમની ટીમે સમાજ સેવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે તે બદલ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ નવીન હોસ્પિટલમાં કોઇ દર્દી સારવાર માટે ન આવે તેવી પ્રભુને પ્રાર્થના પણ સંક્રમણ વધે તો દર્દીઓ માટે આ શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.
આ ઇ-ઉદ્દઘાટન પ્રસંગે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી આર. સી. ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ જામનગર ખાતે મેયર, જિલ્લા પ્રમુખ, જિલ્લા કલેક્ટર રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ સહિત સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.