પર્યુષણ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યુષણ પર્વ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન પ્રકૃતિએ માનસ જાતને એક સંકેત આપ્યો છે. આહાર-વિહાર અને વિચારની શુદ્ધિ તરફ વાળવાનો મન, કર્મ અને વચનની શુદ્ધિ તરફ વાળવાનો અને સંયમના માર્ગે ચાલવાનો સંકેત આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી પરંપરા અને સંસ્કારો શુદ્ધિ તરફ લઈ જનારા છે અને તેમાં પણ પર્યુષણ પર્વ ખરા અર્થમાં શુદ્ધ પર્વ છે. પર્યુષણનો બીજો અર્થ થાય છે પર્યુ સમણ. જે કોઈપણ પ્રકારની વ્યાધી-ઉપાધી વચ્ચે ક્ષમતા અને શાંતિ માટેનો પર્વ છે. જે આત્મ સિદ્ધીનું પણ મહાપર્વ છે. પ્રભુએ આપણને પાંચ મહાવ્રતો આપ્યા છે. આ વ્રતો માત્ર વ્રતો નહીં પરંતુ સુખી જીવનની માસ્ટર કી છે. સત્યની લડાઈના સુકાની એવા મહાત્મા ગાંધીએ આખી લડાઈ અહિંસાના માર્ગે લડી હતી. ગાંધી જૈન ધર્મના મહાવ્રતોથી પ્રેરાઈને લડતના પ્રણેતા બન્યા હતા. રાષ્ટ્રની આઝાદીની લડાઈને અહિંસાના નવીનતમ હથિયારથી લડી બતાવી હતી. ભારતવાસીઓએ પૂ. બાપુના નેતૃત્વમાં અંગ્રેજી શાસનને ઘુંટણીયે લાવી દીધું હતું.