નાગરિક બેંકના પૂર્વ ચેરમેન-કોંગી આગેવાને કલેકટરને કરી રજૂઆત
ગોંડલ તા.પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુકનાં પુત્ર ડો.નૈમિષભાઇ કોરોનાગ્રસ્ત બન્યાં છે. ગોકુળ અષ્ઠમીનાં લોકમેળાથી લઇ જાહેર મેળાવડા માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરી પ્રતિબંધ મુકાયાં હોવાં છતાં સાંસદ ધડુકનાં પરીવાર દ્વારા ઘર આંગણે જાહેરમાં લોકોની બહોળી હાજરી વચ્ચે કૃષ્ણ જન્મ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રસિધ્ધ ગાયીકા ગીતા રબારી સહીત નામી કલાકારો હાજર હતાં અને ટીવી ચેનલ દ્વારા સમગ્ર કાર્યક્રમ લાઇવ કરાયો હતો. આ કાર્યક્રમમાં ડો.નૈમિષભાઇ કેન્દ્ર સ્થાને હતાં. આ કાર્યક્રમમાં ત્રીજા દિવસે સાંસદ પુત્ર કોરોના ગ્રસ્ત બન્યાં છે.સાંસદ રમેશભાઈ ધડુકનાં પરીવાર દ્વારા જાહેરમાં કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી થઇ રહી હોય સરકારની ગાઇડલાઇનનો ખુદ સાંસદ પરીવાર દ્વારા ભંગ થઇ રહ્યાંની રજુઆત નાગરીક બેન્કનાં પુર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથા કોંગ્રેસનાં દિનેશભાઇ પાતર દ્વારા જીલ્લા કલેક્ટર,પોલીસ વડા સહીત કરાઇ હતી.
આ આગેવાનોએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિક જો ભુલથી પણ ગાઇડલાઇનનો ભંગ કરે તો પોલીસનાં દંડા કે આકરા દંડનો ભોગ બનવું પડે છે. પણ ખુદ સાંસદ દ્વારા ભંગ કરાયો ત્યારે તંત્ર શા માટે મૌન બની બેઠું છે તેનો ખુલાસો થવો જોઈએ.