વડોદરા જિલ્લાના વિકાસ કામો માટે ૧૦૪.૭૬ કરોડના ચેકોનું વિતરણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વિકાસકાર્યોની કડીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે રૂા.૧,૦૬૫ કરોડના ચેકોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું હતુ.
ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજયના શહેરોનો સમતોલ અને સંતુલિત વિકાસ થઇ રહ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ, નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા કલેકટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલમાં ઉપસ્થિત રહી વડોદરા મહાનગરપાલિકાને રૂ.૯૯.૫૧ કરોડ તથા જિલ્લાની ડભોઈ નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, પાદરા નગરપાલિકાને રૂ.૧.૧૨ કરોડ, કરજણ નગરપાલિકાને રૂ.૧.૧૨ કરોડ તથા સાવલી નગરપાલિકાને રૂ.૫૦ લાખ સહિત રૂ.૪.૨૫ કરોડ સહિત કુલ રૂ.૧૦૪.૭૬ કરોડના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ઝોનમાં સમાવિષ્ટ વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદ સહિત ૬ જિલ્લાની કુલ ૨૬ નગર પાલિકાઓને રૂ.૨૮.૬૨ કરોડ તેમજ વડોદરા મહાનગરપાલિકાને રૂ.૯૯.૫૧ કરોડ સહિત કુલ રૂ.૧૨૮.૧૩ કરોડના ચેકોનું વિતરણ કરવામા આવ્યું છે. આ અનુદાનથી શહેરી વિકાસ વધુ વેગવાન બનશે સાથોસાથ શહેરીજનોની જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે.
ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું કે, રાજયની ૪૫ ટકાથી વધુ વસતી શહેરોમાં વસે છે ત્યારે શહેરો સુંદર, સુવિધાયુક્ત તથા સ્વચ્છ બને તે માટે સરકાર સંકલ્પબધ્ધ છે. મંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરી, ગુજરાતની સ્વરાજની યાત્રાને સુરાજયમાં પલટાવવા સતત આગળ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનિષાબેન વકીલ, સીમાબેન મોહિલે, મેયર ડો. જીગીષાબેન શેઠ, નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ, કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ડો.હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઇ, નિવાસી અધિક કલેકટર ડી.આર. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.