હવે ધોળે દિવસના બદલે અંધકારમાં પાક.ની ઘુસણખોરી
સ્વતંત્રતા પર્વે સરહદે વધુ ચુસ્ત બંદોબસ્ત
ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદેથી ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો. પણ બીએસએફના જવાનોએ ઘુસણખોરી કરનાર શખ્સને ઠાર કર્યો હતો.
શુક્રવારે મોડીરાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.
બીએસએફના જવાનોએ તેને રોકવાનો પ્રયત્ન કરતા ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. બીએસએફના જવાનોએ ફાયરીંગ કરતા તેનું મોત થયું હતું. બીએસએફ જવાનોએ ઘુસણખોરને ઠાર કર્યો ત્યારે પાક. તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. બનાવ બાદ બીએસએફએ પાક. પાસેથી ઘુસણખોર અંગે માહિતી માંગી છે.
અગાઉ દિવસ દરમિયાન ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો.
ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાક.ની આ સરહદે આવી રીતે પહેલીવાર રાત્રીના સમયે ઘુસણખોરી જોવા મળી હતી. સ્વતંત્ર્તા દિવસને લઈ પાક. સરહદ પર બીએસએફ હાઈએલર્ટ પર છે. ભારે ઘુસણખોરીનો પ્રયાસ કરતા બીએસએફ વધુ સતર્ક બન્યું છે.
ઘુસણખોરીની નવી મોડસ ઓપરેન્ડી અંગે બીએસએફ શું કહે છે ?
ગુજરાતમાં પાક સરહદેથી ઘુસણખોરી અંગેની નવી મોડસ ઓપરેન્ડી અંગે બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ પાક. દ્વારા દિવસ દરમિયાન ઘુસણખોરી કરવાની કોશિષ થઈ છે. પણ હવે રાત્રીના અંધકારમાં ગુજરાત-રાજસ્થાનની બોર્ડર ઓળંગવાનો આ પહેલો પ્રયાસ છે. સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો હોવાથી બીએસએફ દ્વારા તમામ સરહદો પર પેટ્રોલીંગ વધારી દેવાયું છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડરે રાત્રીના અંધકારમાં તારબંધી ઓળંગીને ઘુસણખોરીનો પાક.નો આ પહેલો પ્રયાસ કરાયો હતો. આગામી દિવસોમાં આ સરહદે વધુ ચુસ્ત પહેરો બનાવાશે તેમ બીએસએફ સૂત્રોએ જણાવ્યું હતું.