પેરોલ ભંગ કરી વોન્ટેડ શખ્સ સહિત છ શખ્સો કારમાં ઉઠાવી એક લાખ માંગી ખુનની ધમકી દીધી
હત્યાના ગુનામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર ભીસ્તીવાડના વોન્ટેડ શખ્સે ફીર કળા કરી હતી. જામનગર રોડ પર હંસરાજનગરમાંથી તેના પાંચ સાગરીતો સાથે મળી છરીની અણીએ બે મિત્રોનું અપહરણ કરી ખંડણી માંગી હતી. યુવાને પૈસા ન હોવાનું કહેતા વ્યાજે એક લાખ રૂપિયા આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પ્ર.નગર પોલીસમાં નોધાતા એએસઆઇ સુરેશભાઇ જોગરાણા સહિતના સ્ટાફે ચાર શખ્સોની અટકાયત કરી વોન્ટેડ શખ્સ સહિત બેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ ભોમેશ્ર્વર ફાટક પાસે રહેતા સુરજ રાજેશભાઇ અવાડીયા અને તેનો મિત્ર શુભમ દવે સાથે શુભમના બાઇકમાં પરસાણાનગરમાં આવેલા તિરૂપતિ નમકીનમાં ખરીદી કરવા ગયા ત્યારે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા શાહરૂખ ઉર્ફે રાજા અને તેનો સાગરીક સદામ એકટીવા પર ધસી આવી છરી બતાવી રૂા. ૧૦ હજારની માંગણી કરી હતી ત્યારે બન્ને મિત્રો ત્યાંથી જાન બચાવી નાસી છુટયા હતા.
ત્યારબાદ ગત તા.૩જીના સાંજના સમયે શાહરૂખનો અન્ય સાગરીત બાઇક પર શિવસાગર પાસે લઇ ગયો હતો. ત્યાં થોડીવારમાં જીજે ૦૩ કેસી ૬૪૬૮ નંબરની સફેલ કલરની કાર લઇ શાહરૂખે છરી બતાવી બન્ને મિત્રોને કારમાં અપહરણ કરી મહિલા કોલેજ પાસે લઇ ગયા હતા. ત્યાં શાહરૂખ ઉર્ફે રાજા સહિતનાઓએ રૂ. ૧ લાખની ખંડણી માંગી હતી. પરંતુ સુરજ અને શુભમે પૈસા ન હોવાનું કહેતા તમામ શખ્સોએ વ્યાજે રૂપિયા લઇ આપવાનું કહી ઓરિજન ડોકયુમેન્ટ પડાવી લીધા હતા.
પ્ર.નગર પોલીસ મથકનાં પી.આઈ એલ.એલ.ચાવડા સહિતનાં સ્ટાફે અપહરણ અને ખંડણીનાં ગુનામાં ગણતરીના કલાકોમાં જ ગાયકવાડીનાં વસીમ જુસબ દલવાણી, ભીસ્તીવાડનાં ઈમરાન દાઉદ દલવાણી, પરસાણાનગરનાં આબીદ નૂરમહમંદ જુણેજા અને સ્લમ કવાર્ટરમાં રહેતા વસીમ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે. જયારે પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વોન્ટેડ શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા અને તેનો સાગરીત સદામ હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.