શહેરનાં ૪ સહિત એક રાતમાં વધુ ૧૦ દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા
રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનો સકંજો ફેલાતો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડરની શોધમાં અને સેમ્પલીંગ ટેસ્ટીંગનાં વધારાથી આજ બપોર સુધીમાં વધુ ૪૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૫૦૦ને પાર પહોંચી ગયો છે જયારે બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ટપોટપ મૃત્યુ નિપજતા લોકોમાં ચિંતાનો વ્યાપ જોવા મળી રહ્યો છે. રાજકોટનાં ૪ સહિત એક જ રાતમાં વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓ જીંદગી સામેની જંગ હારી ગયા છે.
રાજકોટમાં અનલોક-૩ની શરૂઆતથી લોકોમાં છુટછાટ જોવા મળી રહી છે તેની સાથે કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. છેલ્લા બે દિવસમાં ૧૫૦થી પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઈકાલ સાંજે ૫ વાગ્યાથી લઈ આજે બપોરે ૧૨ વાગ્યા સુધી શહેરમાં રેકોર્ડબ્રેક ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. સેમ્પલીંગ ટેસ્ટમાં વધારો કરી સુપર સ્પ્રેડરની શોધમાં કોર્પોરેશન દ્વારા દિન-પ્રતિદિન પોઝીટીવ દર્દીઓનાં જાહેર થતા આંકમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૯૦૦ જેટલા સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૬૦ પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા જયારે આજરોજ વધુ ૪૯ પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે. વધુ ૪૯ પોઝીટીવ કેસની સાથે કોરોનાનો કુલ આંક ૧૫૦૦ને પાર પહોંચી ગયો છે. ગઈકાલે વધુ ૨૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તા.૫મી ઓગસ્ટનાં કોરોના પોઝીટીવીટી રેટ ૬.૭ ટકા નોંધાયો હતો જે આજરોજ ડબલ થતા ૧૨.૧૮ ટકા પર પહોંચી ગયો છે.
કોરોનામાં પોઝીવીટીરેટની સાથે રાજકોટનો ડેથ રેશીયો પણ વધી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલમાં ૫૫થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજયા છે ત્યારે એક રાતમાં રાજકોટનાં ૪ સહિત વધુ ૧૦ દર્દીઓએ કોરોના સામેની જંગ હારી ગયા હતા. આજરોજ મૃત્યુ પામેલા દર્દીઓમાં રાજકોટનાં મોચીબજારનાં દિલીપભાઈ કેશુભાઈ ગોરવાડીયા (ઉ.વ.૬૦), ભકિતનગરનાં રમેશભાઈ પરસોતમભાઈ ટાંક (ઉ.વ.૬૫), પુનિતનગરનાં અમીનભાઈ નવસાદભાઈ સાંજત (ઉ.વ.૪૫) અને જંગલેશ્ર્વરનાં મહમંદભાઈ અબ્દુલભાઈ ભોણીયા (ઉ.વ.૬૦) જયારે બહારગામનાં જસદણનાં સવજીભાઈ રામજીભાઈ ગોટી (ઉ.વ.૭૧), કાલાવડ તાલુકાનાં ભાલંભડીનાં ઓધવજીભાઈ લાખાભાઈ સાંગાણી (ઉ.વ.૫૨), ગોંડલનાં કંચનબેન બટુકભાઈ કોળીયા (ઉ.વ.૬૦), બોટાદનાં સુધાબેન તુષારકાંત શેઠ (ઉ.વ.૬૦), ધોરાજીનાં અલ્પેશભાઈ છગનભાઈ જાજરુકીયા (ઉ.વ.૪૭), રમેશભાઈ પ્રભુદાસભાઈ સાંચણા (ઉ.વ.૫૦)નાં કોરોનાથી મોત નિપજયા છે.
આરોપીઓમાં પણ ફેલાતો કોરોના હત્યાનો એક ગુનેગાર પોઝિટિવ
દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા આરીફ હાજીગુલામહમંદ ચાવડાની હત્યામાં સંડોવાયેલા વસીમ ઉર્ફે ચકો, તેના પિતા અબ્દુલ ઓસમાણ, રમીઝ ઉર્ફે બાબો ઈકબાલ અને તેના એડવોકેટ પિતા ઈકબાલ ઓસમાણને થોરાળા પોલીસે ઝડપી પાડી ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં વસીમ ઉર્ફે ચકાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. છેલ્લા અઠવાડિયામાં આરોપીઓમાં પણ કોરોના ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે અવાર-નવાર આરોપીઓનાં ટેસ્ટ બાદ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવે છે અને કોરોનાગ્રસ્ત આરોપીઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ જવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાની ઝપટે ચડતા આ આરોપીઓની દેખરેખ રાખવા માટે જરૂરી પગલાઓ લેવાની માંગ પણ વધી રહી છે ત્યારે આરોપીને લઈ આવતા પોલીસ સ્ટાફનાં અધિકારીઓને પણ કોરોનાનું સંકટ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.