૨૪ કલાકમાં બેના મોત: છ પોઝીટીવ અને બે શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરની ૧૦ વ્યક્તિને સ્વાઇનફલુ ભરખી ગયો, ૫૦ પોઝીટીવ દર્દીને સારવાર અપાઇ
સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલુએ કાળો કહેર વરતાવ્યો છે. છેલ્લા સાત માસથી રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં સદતંર નિષ્ફળ રહેતા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૩૯ વ્યક્તિઓનો સ્વાઇનફલુએ ભોગ લીધો છે તેમાં રાજકોટ શહેરના ૧૦ વ્યક્તિએ સ્વાઇનફલુના કારણે જીવ ગુમાવ્યો છે. શહેરના ૫૦થી વધુ દર્દીઓને સ્વાઇનફલુની સારવાર આપવામાં આવી છે.
સ્વાઇનફલુના રોગચાળાએ સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે. અમદાવાદમાં ૨૦, કચ્છમાં ૧૩ અને સૌરાષ્ટ્રમાં ૩૯ના સ્વાઇનફલુના કારણે જાન્યુઆરીથી ૩૧ જુલાઇ સુધીમાં મોત નીપજ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં શહેરના જુદા જુદા વિસ્તારના ૫૦થી વધુ દર્દીઓને સ્વાઇનફલુની સારવાર આપવામાં આવી છે અને ૧૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
મોરબીના બરવાળા ગામના પ્રવિણ મુકેશ ડાભી નામના ૧૫ વર્ષના ત‚ણને સ્વાઇનફલુના શંકાસ્પદ દર્દી તરીકે સાંજે છ વાગે દાખલ કરાયા બાદ રાત્રે સાડા ત્રણ વાગે તેનું મોત નીપજ્યું હતું. પ્રવિણ ડાભીનો સ્વાઇનફલુનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેનું મોત નીપજયું હતું.
જ્યારે ગત તા.૨૪મી જુલાઇએ જામનગર રોડ પર રહેતા સરલાબેન પ્રવિણસિંહ વાઢેરને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો સ્વાઇનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રસલાબેનનું ગઇકાલે મોત નીપજતા સ્વાઇનફલુના કારણે ૨૪ કલાકમાં રાજકોટની વૃધ્ધા અને બરવાળાના ત‚ણના મોત નીપજ્યા છે.
સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં છ પોઝીટીવ અને બે શંકાસ્પદ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે જેમાં પંચવટી ટાઉનશીપના ૩૫ વર્ષના યુવાન, કિસ્મતનગરના ૩૦ વર્ષના યુવાન, ગુંદાવાડીની ૪૨ વર્ષની મહિલાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ત્રણ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.