ભૂદેવોએ ઘરે જ જનોઇ બદલાવી: બ્રહ્મસમાજ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમો રદ કરાયા
ભાઈ બહેનના લાડ, પ્રેમના પ્રતીક સમાન પર્વ રક્ષાબંધનની ઉજવણી જૂનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથકમાં પૂરા ઉમંગ-ઉલ્લાસ સાથે થઈ હતી, બહેનોએ પોતાના ભાઇને રક્ષા બાંધી દીર્ઘાયુ અને આરોગ્યપ્રદ જીવન ના આશીર્વાદ આપ્યા હતા, તો બીજી બાજુ બ્રહ્મસમાજના ભૂદેવો દ્વારા રક્ષાબંધનના પાવન પવિત્ર દિવસે જનોઈ બદલવાના મુહૂર્ત સચવાયા હતા.
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં દિવસ ભાઈ અને બહેનનો જ માત્ર દિવસ હતો તેવો ઉલ્લાસ તમામ ભાઈ-બહેનોમાં જોવા મળી રહ્યો હતો, અને કોરોનાની મહામારી વચ્ચે પણ સાથે રહેતી કે રહેતી બહેન પોતાના ભાઈને રક્ષા બાંધવા રક્ષા બંધનના પવિત્ર પર્વ ઉપર ભાઈ સુધી પહોંચી હતી, અને ભાઈને કુમકુુમ તિલક કરી, દુખણા લઈ, મોં મીઠું કરાવી, ભાઇઓને રક્ષાનું બંધન કર્યું હતું. સમાજની વિવિધ પાંખો દ્વારા સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમની સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ અને જ્ઞાતિ ભોજન જેવા કાર્યક્રમો આ વખતે કોરોના મહામારીના કારણે રદ કરાયા હતા. અને વર્ષો બાદ આ વર્ષે પ્રથમ વખત ભૂદેવોએ પોતાના ઘરે રહી જનોઈ બદલાવી હતી. મહાદેવ ભોળાનાથ અને મા ગાયત્રી પાસે સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી જલદી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.