બંગાળની ખાડીમાં લો-પ્રેશરની અસર તળે કાલથી ત્રણ દિવસ રાજયભરમાં મેઘમહેરની સંભાવના

ઉતર-ગુજરાતથી રાજસ્થાન સુધી સર્જાયેલ સાયકલોનીક સરકયુલેશન અને બંગાળની ખાડીમાં આવતીકાલથી આકાર પામનાર લો-પ્રેશરથી આગામી ત્રણ દિવસ રાજય સહિત સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અગાઉ હવામાન વિભાગે ઓગસ્ટ માસથી વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી જોકે હવે લો-પ્રેશર સર્જાતા આવતીકાલ બપોર બાદ ત્રણ દિવસ મેઘમહેર થાય તેવી સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે તેવી આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર વધુ મજબુત બનીને ઓરિસ્સા, મધ્યપ્રદેશ ઉપર થઈને સિસ્ટમ રાજયભરમાં વરસાદ વરસાવશે. બંગાળની ખાડીમાં સર્જાનાર લો-પ્રેશર ધીમે-ધીમે ઉત્તર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધીને ગુજરાત તરફ આવશે જેનાં કારણે વરસનાર વરસાદનાં કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી મુજબ તા.૪, ૫ અને ૬ ઓગસ્ટે રાજયભરમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે સાથે ઉતર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ૫ ઓગસ્ટે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયનાં ખેડુતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજયમાં આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ પડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.  છેલ્લા ૨૪ કલાકનાં વરસાદની જો વાત કરીએ તો ડાંગનાં વઘઈમાં ૩૩ મીમી, ડેડીયાપાડામાં ૨૮ મીમી, ખંભાળીયામાં ૨૪ મીમી, મેંદરડામાં ૨૧ મીમી, જુનાગઢમાં ૧૮ મીમી, જુનાગઢ શહેરમાં ૧૮ મીમી, લખપતમાં ૧૬ મીમી, ધોરાજીમાં ૧૫ મીમી, માણાવદરમાં ૧૧ મીમી, કેશોદમાં ૬ મીમી અને વેરાવળમાં ૧ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જોકે આજે વહેલી સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં રાજયનાં એક પણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.