રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર કિંમતી જમીન ઉપર બાંધકામો ખડકી દઈ ગેરકાયદે નોટરાઈઝ સોગંદનામા તૈયાર કરીને જમીન વેચી નાખી: ૮ શખ્સો સામે મામલતદારની ફોજદારી
જમીન કૌભાંડ આચરનારાઓ સામે પાસા સુધીના પગલા લેવાશે: કલેકટર રેમ્યા મોહન
કાંગશીયાળી ગામ પાસે સતત બીજા જમીન કૌભાંડનો પર્દાફાશ: સીટી પ્રાંત-૧ ચરણસિંહ ગોહિલ અને લોધીકા મામલતદાર જે.આર.હિરપરાની મહત્વની કામગીરી
રાજકોટ જિલ્લામાં જમીન કૌભાંડો શોધી કાઢી નેસ્તનાબુદ કરવા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન અને અધિક કલેકટર રાજકોટ પરિમલ પંડયાની દેખરેખ હેઠળ પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમે સરકારી જમીન બારોબાર વેંચી દેવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરેલ હતો. સરકાર તરફથી મામલતદાર લોધીકા જે.આર.હિરપરાએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી.
પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્યના જણાવ્યા અનુસાર લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામ ખાતે ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો જમાવી તેનું સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ વેચાણ-તબદીલી થવાના કૌભાંડની વિગતો ખાનગી રાહે રાજકોટ ગ્રામ્ય પ્રાંતને બાતમીથી જાણવા મળેલ. જિલ્લા કલેકટર રેમ્યા મોહનને જાણ થતા તેઓની સુચના અનુસાર આધાર પુરાવાઓની ખરાઈ રાજકોટ ગ્રામ્ય પોલીસને સાથે રાખી કરતા પોલીસ તરફથી રજુ થયેલ પ્રાથમિક તપાસ અહેવાલને આધારે જાણવા મળેલ હકિકતો અનુસાર રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવેની અત્યંત કિંમતી રોડ ટચની સરકારી જમીન ઉપર સ.નં.૨૧૦ની જમીન જેનું ક્ષેત્રફળ ૨૧૫૧-૦૦ ચો.મી. છે જે સરકારી રેકર્ડે શ્રી સરકાર માલીકીની છે, તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી તે જગ્યાને કોઠારીયા સોલવન્ટની અઘાટ જમીનના પ્લોટો બતાવી ગેરકાયદેસર નોટરાઈઝ સોગંદનામાના લખાણો ઉભા કરી, કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કબજો કરવાના લખાણ કરી ગોડાઉન તેમજ મોટા શો-રૂમ બનાવી ગેરકાયદેસર સરકારી કિંમતી જગ્યા પચાવી પાડવાનું કૌભાંડ કરી જમીન ઉપર કરી લીધેલ હોવાનું બહાર આવેલ. દસ્તાવેજો અનુસાર રોનક સોફાસેટવાળી જગ્યાના કબજેદાર મુકેશ રમણીકભાઈ ડોબરીયાએ આ જમીન ઉતરોતર ગેરકાયદેસર નોટરાઈઝ લખાણોથી ખરીદ કરેલ તથા વેચાણ કરાર અને ચુકતે અવેજની પહોંચ બતાવેલ. જે તેમણે રાજેન્દ્રસિંહ ગજુભા વાળા પાસેથી ખરીદી અને એલ.જે.ટાંક પાસે નોટરી કરાવેલ. તેમજ વકીલ કોટક સમક્ષ સોગંદનામું કરેલ અને આ જગ્યા રૂા.૨૪,૦૦,૦૦૦/- માં ખરીદ કર્યાનું સોગંદનામું કરેલ.
સરકારી નિયમોનુસાર માલીકીની જગ્યાની તબદીલી વખતે સરકારી હિત રૂપે સ્ટેમ્પ ડયુટી ભરવાની થતી હોય છે તેમ છતાં માત્ર ૧૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર અવેજ ઉલ્લેખિત નોટરાઈઝ કરાર કરેલ છે. તે પણ સરકારી જમીનનો છે. સદરહું જમીનની તબદીલી ભરત મૈયા ગમારા, રહે.મવડીને આ જ પ્રકારે તબદીલ કરેલ છે તથા સાટાખત પણ કરેલ છે. આ ભરતભાઈ ગમારાએ સદરહું જગ્યાએ ગેરકાયદેસર નોટરાઈઝ લખાણથી મનીષભાઈ બટુકભાઈ પરમારને વેંચી, નોટરી પી.સી.વ્યાસ અને વકીલ સમક્ષ સોગંદનામું કરેલ છે. તેમજ અન્ય ઈસમ ભાનુબેન વિઠ્ઠલભાઈ પાટડીયાએ નોટરી ડી.વી.ગાંગાણી અને વકિલ એમ.કે.સવસાણી સમક્ષ સોગંદનામું કરી રૂા.૩,૫૦,૦૦૦/-માં ખરીદી હતી તથા ઓસમાણભાઈ સુમારભાઈ કુકકડએ પણ સરકારી જમીનના ગેરકાયદેસર નોટરાઈઝ લખાણો આધારે ખરીદ કરેલ છે.
આ કામોના આરોપીઓએ એકબીજામાં મીલાપીપણું કરી સરકારી જમીન હડપ કરી જવાનું ગુન્હાહિત કાવત્રુ રચી ઉતરોતર જમીન માલિકીના ખરીદ-વેચાણના ગેરકાયદેસર નોટરી સોગંદનામા બનાવી જેમાં રોનક સોફાસેટવાળી જગ્યા કુલ ૨૫૦-૦૦ ચો.વા. તેમજ સરદાર એનીમલ ફુડવાળી જગ્યા કુલ-૨૦૦-૦૦ ચો.વા. એમ મળીને કુલ ૪૫૦-૦૦ ચો.વા.જગ્યા કાંગશીયાળી ગામ સરકારી જમીન સ.નં.૩૮/૩ (નવા સ.નં.૨૧૦)વાળી પૈકીની જગ્યાના ગેરકાયદેસર સોગંદનામાના આધારે જમીનના માલિકી હકક સ્થાપિત કરી કરોડો રૂપિયાની સરકારી જમીન હડપ કરી કબજો ભોગવટો રાખી તે જગ્યા ઉપર મોટા ગોડાઉન અને શોરૂમના બાંધકામ ઉભા કરી, વેચાણ કરવા જે ગેરકાયદેસર નોટરાઈઝ લખાણો ખોટા માલિકી હકકના બનાવી તેમાં ખરીદનાર વેચનારે કાયદેસર ચુકતે અવેજની રકમ મળી ગયાની, કિંમતી જામીનગીરીનું લખાણ કરી, જે ગેરકાયદેસર નોટરાઈઝ લખાણો ઠગાઈ કરવાના હેતુસર બનાવી, જે ગેરકાયદેસર નોટરાઈઝ લખાણો માલિકી તબદીલી થયેલાનું અભિપ્રેત કરવા બનાવી જે આધારે સરકારી જમીન હડપ કરવાનું કૃત્ય કરી એકબીજામાં મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે જમીન કૌભાંડ કરનાર આ આરોપીઓ મુકેશભાઈ રમણીકભાઈ ડોબરીયા, ઓસમાણભાઈ સુમારભાઈ કુકકડ, વિભાભાઈ ઘુસાભાઈ ભરવાડ, માલદેવ કરશનભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ ગજુભા વાળા, ભરતભાઈ મૈયાભાઈ ગમારા, મનિષ બટુકભાઈ પરમાર, ભાનુબેન વિઠલભાઈ પાટડીયા તેમજ તપાસમાં જે નીકળે તે બધા સામે સરકારપક્ષે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી અંગે જિલ્લા કલેકટર રાજકોટ રેમ્યા મોહન દ્વારા રાજકોટ ગ્રામ્ય પ્રાંતની દેખરેખ હેઠળ મામલતદાર જે.આર.હીરપરાને ફરિયાદ કરવા માટે અધિકૃત કરાયા હતા. આ સમગ્ર કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય પ્રાંતનાં શિરસ્તેદાર મુકેશ રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા તથા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર કુલદીપસિંહ ગોહિલ તથા રાઈટર દિલીપભાઈ કાલોતરાએ ફરિયાદ દાખલ કરી તપાસ માટે જહેમત ઉઠાવી હતી. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે કે, આગામી સમયમાં આવા કૌભાંડો શોધી કાઢવા ઝુંબેશના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે તથા આવા કિસ્સાઓ ધ્યાને આવ્યે પીએએસએ હેઠળ જેલમાં ધકેલવા સુધીના પગલા લેવામાં આવશે.