રાજ્ય સરકારની મહત્ત્વની જાહેરાત: સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં ૫ બેડ અને ૧૦૦થી વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ તબીબો તથા હેલ્થ વર્કરો માટે અનામત રહેશે
કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં ૫ બેડ અને જ્યાં ૧૦૦ કરતાં વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર માટે રીઝર્વ રાખવાના આદેશ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ કોવીડ-૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે તા. ૧૩-૦૩-૨૦૨૦ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે.
પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-૧૯ ના સંક્રમણનું જોખમ રહેલું છે.કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં ૫ બેડ અને જ્યાં ૧૦૦ કરતાં વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર ( સરકારી / ખાનગી સહિત ) માટે રીઝર્વ રાખવાના રહેશે એમ રાજયના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ રીઝર્વ રખાયેલ બેડમાં જ્યારે પણ મેડીકલ/પેરામેડીકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના/આપવાના રહેશે પરંતુ જો તેઓ આવેલ ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય પ્રજાજન/દર્દીને બેડ ફાળવવાના રહેશે.આ બેડ રીઝર્વ રાખવા અંગે સબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.