ક્રીમીલેયરની આવકમર્યાદા વાર્ષિક રૂ. ૮ લાખથી ૧૫ લાખ કરવા અને તેમાં ખેતી અને પગારની આવક ન ગણવા સંસદીય સમિતિની કેન્દ્ર સરકારને ભલામણ
દેશની કુલ વસ્તીના ૫૦ ટકા લોકો અન્ય પછાત વર્ગ એટલે ઓબીસીમાં આવતા જ્ઞાતિ સમાજમાં આવતા હોવાનું મનાય છે. જેથી વિશાળ ઓબીસી મતદાર વર્ગને આકર્ષવા દરેક રાજકીય પક્ષો પોતાના કાર્યકાળ દરમ્યાન અવનવા પ્રયાસો કરતા હોય છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે કેન્દ્રની મોદી સરકારે ઓબીસી વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતનો લાભ લેવા માટે જરૂરી નોન ક્રીમીલેયરની આવક મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે બનેલી સંસદીય સમિતિએ ઓબીસી ક્રીમીલેયર માટે હાલની આવક મર્યાદા આઠ લાખ રૂા.થી વધારીને રૂા.૧૫ લાખ કરવાની અને તેમાં પગાર અને ખેતીની આવક ન ગણવાની સરકારને ભલામણ કરી છે. જેથી હવે ઓબીસી અનામતનો લાભ મોટાભાગના ઓબીસી સમાજના લોકો લઈ શકશે. હાલમાં કેન્દ્ર અને રાજય સરકારે શૈક્ષણિક
સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ઓબીસી સમાજના અરજદારો માટે ૨૭ ટકા અનામત રાખવામા આવે છે. ઓબીસી સમાજના જે પરિવારોની હાલમાં વાર્ષિક આવક આઠ લાખ રૂા. સુધીની હોય તેમને નોનક્રીમીલેયર ગણીને આ અનામતનો લાભ અપાઈ છે. હાલમાં આવા પરિવારની આવકમાં ખેતી અને તમામ સદસ્યોના પગારની આવકની ગણતરી પણ કરવામાં આવે છે. જેથી આ આવક મર્યાદાથી ઓબીસીના ૫૦ ટકા પરિવારોમાંથી હાલમાં ૩૦ ટકા જેટલા પરિવારો અનામતનો લાભ લઈ શકે છે. જેથી ક્રીમીલેયર માટેની આવક મર્યાદા વધારવા સમયાંતરે માંગ ઉઠતી રહે છે. તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે ઓબીસી સમાજની આ માંગને ધ્યાનમાં રાખીને એક સંસદીય સમિતિ બનાવી હતી.
ભાજપના સાંસદ ગણેશ સિંહની અધ્યક્ષતાવાળી આ સંસદીય સમિતિએ તાજેતરમાં પોતાનો રીપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. જેમાં ઓબીસી ક્રીમીલેયર માટેની આવક મર્યાદા આઠ લાખ રૂા.થી વધારીને ૧૫ લાખ રૂા કરવાની ભલામણ કરે છે. આ આવક મર્યાદામાં ખેતીની અને પરિવારના સભ્યોના પગારની આવક ન ગણવાની ભલામણ પણ કરવામાં આવી છે.
આ સમિતિના એક સદસ્ય વિશ્ર્વંભર પ્રસાદ નિષાદે આ અંગે જણાવ્યું હતુકે સમિતિના તમામ સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે. કે ઓબીસી ક્રીમીલેયરની આવક મર્યાદા આઠ લાખ રૂા.થી વધારીને ૧૫ લાખ રૂા. કરવામાં આવે કારણ તેનાથી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો પર પ્રવેશ માટે અરજદારોની સંખ્યામાં ભારે વધારો થશે. જેથી વધારેમાં વધારે ઓબીસી સમાજના અરજદારો આ અનામતનો લાભ લઈ શકશે આ સમિતિનાં કેટલાક સભ્યોએ આ અનામત આર્થિક પછાતપણા પર નહી પરંતુ સામાજીક પછાત પણા પર રાખવા સુચ કર્યું હતુ.