શું પૃથ્વીના સર્જનહારની પૃથ્વીને સર્વાંગી સુંદર રાખવાની જવાબદારી ન ગણાય?… શેષ રહેલા શ્રાવણ મહિનામાંથી આપણે પવિત્રતાની પ્રેરણા લઈએ
આમ તો સર્જનહારનાં સર્જનમાં કશુંજ, કયારેય નરસું કે અસુંદર ન જ સંભવે, પરંતુ આ પૃથ્વી પર અને આપણા દેશમાં રાજપુરૂષો અને રાજકર્તાઓએ ખુદ સર્જન હારને ગણકારવાનું બંધ કરીને પગથી માથા સુધીનિરંકુશ બની ગયા અને શ્રાવણની પવિત્રતા ખોઈ બેઠા છે. ત્યારે સર્જનહાર કે પરમેશ્ર્વર શું કરે કે કેટકેલું કરે ? ધર્મ ઉપર અધર્મનું વર્ચસ્વ વધી જાય અને પૂણ્ય ઉપર પાપની જોહૂકમી વધે તે દેશની કમનશીબી લેખાય !
આવા બેહુદા સ્થિતિ-સંજોગોને વખતે એવું કોણ નહિ ઈચ્છે કે સર્જનકારે આપણા વિશ્ર્વને તેમજ આપણા દેશને મતિભ્રષ્ટો, દુરાચારીઓ અને પાપીઓને આપણા દેશના તમામ ખૂણેથી નામશેષ કરવાનો તથા આપણી માતૃભૂમિને નરાધમોથી મુકત કરવા જોઈએ ? આપણા દેશને નવા જ મનુષ્યોનો દેશ બનાવી દેવાની નવી નીતિ સર્જનહારે અપાવ્યા વિના છૂટકો નથી !
આપણે ત્યાં એક કહેવત છે કે, ‘કેવળ બેજ માણસોથી ડરજો એક ભગવાનથી અને બીજા, ભગવાનથી જે ડરતા ન હોય તેવા માણસથી…’
ભગવાનથી ડરતા માણસો જ પાપ-પૂણ્યમાં માને છે, અને પાપ કરતા ડરે છે ?
આપણા દેશના રાજકર્તાઓ ઘણે ભાગે રાજગાદીલક્ષી બની ગયા છે એ પાપ-પૂણ્યમાં માનતા નથી. એ બધા જાતજાતનાં પાપ-કૃત્યો કર્યે જાય છે. કોઈપણ જાતનાં સત્કર્મો કરવાની એમણે ટેવ પાડી નથી… આ કારણે જ અત્યારે આપણો દેશ અનર્થોથી ઉભરાય છે.
‘કોરોના’ જેવીકે ધરતીકંપો વાવાઝોડા જેવી કુદરતી આફતો એને પીડયા કરે છે ?
કોરોનાએ તો આપણા દેશને અને આખા વિશ્ર્વને અજગર ભરડો લીધો છે. યુનોની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા આખા વિશ્ર્વના આરોગ્યને, એટલે કે વિશ્ર્વના અબજો લોકોનાં આરોગ્યને સાંકળતી સંસ્થા છે. કોરોનાએ એની ઉપયોગીતા સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. ‘કોરોના’ની દવાની શોધ હજુ સુધી સંપૂર્ણ પણે સિધ્ધ થઈ નથી. આને લગતી સમીક્ષા કરતી એક ભારતીય સંસ્થાએ તો એવી ટીકા ટિપ્પણી કરી છે કે, ભારતમા હજારો ચિકિત્સાશાસ્ત્રમાં જેનો ઉપયોગ થઈ રહ્યો છે. તે આયુર્વેદિક જડીબુટ્ટીઓની લોકપ્રિયતા આજે વિશ્ર્વભરમાં વધી રહી છે. આજથી દશ વર્ષઅગાઉ મુંબઈના કોઈ પરામાં રહેતા નાગરીકને આયુર્વેદિક ઓસડિયા ખરીદવા હોય તો તેણે છેક કાલબાદેવી કે ભૂલેશ્ર્વર સુધી લાંબા થવું પડતું. આજે મુંબઈના અનેક પરાઓમાં આયુર્વેદિક ઔષધિઓ જ વેચતી સેંકડો દુકાનો ખૂલી ગઈ છે અને તે બધી જ ધમધોકાર ધંધો કરે છે. જે યુરોપ તેમજ અમેરિકામાં એક સમયે એલોપેથીની જ બોલબાલા હતી ત્યાં આજે ભારતમાંથી નિકાસ કરવામાં આવેલી આયુર્વેદિક દવાઓનું વેચાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ કારણે એલોપેથીનું આખુ માળખું હચમચી ગયું છે.
‘કોરોના’ લાંબી સમીક્ષાનો વિષય બન્યો છે એ ખરૂ છે. પરંતુ તે અમુક મહત્વની બાબતો પર પ્રકાશ પાડે છે.
આજે સર્જનહારની સામે એવી ટકોર થઈ છે કે, જગતની માનવજાતે અને આપણા દેશની પ્રજાએ સર્જનહારની સામે ઘણુ બધું કહેવાપણું છે. તે એ છે કે સર્જનહારે તેમના પોતાના સર્જનમાં હાલના જેટલા દુગૂણો અને દુષણો શા માટે રહેવા દીધા છે. અને આપણી પૃથ્વીને આટલી બધી કદરૂપી તેમજ કારણ્યવિહિન બની ગઈ છે. એનું ધ્યાન કેમ નથી રાખ્યું?
શું પૃથ્વીના સર્જનહારની પૃથ્વીને સર્વાંગ સુંદર રાખવાની જવાબદારી ન ગણાય?…
અહીં બીજો પ્રશ્ર્ન એ પણ જાગે છે કે, હાલના બેહુદા સ્થિતિ સંજોગો વખતે એવું કોણ નહિ ઈચ્છે કે, સર્જનહારે આપણાવિશ્ર્વને તેમજ આપણા દેશને મતિભ્રષ્ટો, દુરાચારીઓ અને પાપીઓને આપણા દેશના તમામ ખૂણેથી નેસ્તનાબુદ કરવાનો તથા આપણી માતૃભૂમિને નરાધમોથી મુકત કરવા જોઈએ?
આપણા દેશને નવાજ સ્વરૂપના દેશ બનાવી દેવાની નવી નીતિ સર્જનહારે અપનાવ્યા વિના છૂટકો નથી. એમાં વિલંબ નહિ પાલવે !