ડેટા ચોરી અને હરિફોને દબાવીને મસમોટા સામ્રાજ્ય ઉભા કરાયાના આક્ષેપો
દુનિયાની ચાર મોટી દિગ્ગજ ટેક કંપની એપલ, ગુગલ, ફેસબુક અને એમેઝોનના સીઈઓને આજે અમેરિકાની સંસદમાં વેધક પ્રશ્નોના જવાબ આપવા પડ્યા હતા. ચારેય કંપનીઓના સીઈઓ ઉપર પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરવાના આક્ષેપો થયા છે. રિપબ્લીકન અને ડેમોક્રેટના સાંસદોએ દિગ્ગજ કંપનીઓના સીઈઓને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંસદમાં અનેક સવાલ-જવાબ કર્યા હતા.
વિશ્ર્વની આ ચારેય કંપનીઓ ડેટા એકઠો કરીને તેનો ઉપયોગ પૈસા રળવા માટે કરતી હોવાના આક્ષેપો છે. આ ચારેય કંપનીઓની કુલ વેલ્યુ ૫ ટ્રીલીયન ડોલર જેટલી તોતીંગ છે. ગુગલ, ફેસબુક, એમેઝોન અને એપલના કારણે અનેક નાની કંપનીઓનું નિકંદન થઈ ચૂકયું છે. અથવા તો નાની કંપનીઓને આ કંપનીઓ સાથે જોડાવવાની ફરજ પડી છે. શામ, દામ, દંડ, ભેદથી આ ચારેય કંપનીઓ હરિફ કંપનીઓને હંફાવે છે. જેમાં તાકાતનો ખોટો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ સવાલ-જવાબ દરમિયાન ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીવ જ્યુડીશરીને ગરમા-ગરમી થઈ ગઈ હતી. જ્યારે જ્યારે ગુગલ ઉપર આક્ષેપો થયા ત્યારે ત્યારે સુંદર પિચાઈએ સમાધાન ગોતવા પ્રયત્ન થશે તેવો દાવો કર્યો હતો. દરમિયાન જેફ બેજોસ એક કલાક મોડા હાજર રહ્યાં હતા. આ સવાલ જવાબ દરમિયાન ડેમોક્રેટના સભ્ય ડેવીડ સીસીલીન દ્વારા સુંદર પિચાઈને પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો કે, ગુગલ પ્રમાણીક વ્યાપારીઓ પાસેથી ક્ધટેઈન કેમ ચોરી કરે છે. સીસીલીને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ગુગલે યેલ્પ ઈંક નામની કંપનીનો ડેટા ચોર્યો છે. આ ઉપરાંત આ કંપનીને સર્ચ રીઝલ્ટમાંથી બહાર ફેંકવાની ધમકી પણ આપવામાં આવી છે. આ આક્ષેપના જવાબમાં સુંદર પિચાઈએ કહ્યું હતું કે, અમે અમારી જાતને ઉંચા સ્ટાન્ડર્ડમાં રાખીએ છીએ. આ આક્ષેપો પાયા વિહોણા છે.
બીજી તરફ ફેસબુકના ઝુકરબર્ગ ઉપર પણ ગંભીર આક્ષેપો થયા હતા. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૨માં ફેસબુકે ઈન્સ્ટાગ્રામ ખરીદ્યુ ત્યારે તેને હરિફાઈનો ડર હતો. જેથી ફેસબુકે તુરંત ઈન્સ્ટાગ્રામ ખરીદી લીધું હતું. આ આક્ષેપના જવાબમાં માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, આ ડીલ ફેડરલ ટ્રેડ કમીશનની નજર હેઠળ થઈ હતી. તે સમયે ઈન્સ્ટાગ્રામ માત્ર ફોટો સેરીંગ એપ હતી. ફેસબુકે ખરીદ્યા બાદ જ ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોમમાં ટોચના સ્થાન હાસલ કરી શકયું છે. તે સમયે ઈન્સ્ટાગ્રામ ફેસબુકનું પ્રતિસ્પર્ધી નહોતું.
આ સવાલ-જવાબમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે કબુલાત આપી હતી કે, અમે કેટલીક ટેકનોલોજીમાંથી ફેરફાર કરીને અમારા મુજબ ઢાળી છે. આ ટેકનોલોજી અન્ય કંપનીઓ જેવી જ છે. જ્યારે કોંગ્રેસના પ્રવકતા પ્રેમીલા જયપાલે પ્રશ્ર્ન પુછ્યો કે, ફેસબુકે કેટલી કંપનીઓને કોપી કરી છે ત્યારે ઝુકરબર્ગે કહ્યું હતું કે, મને તેનો ખ્યાલ નથી.
એમેઝોનના જેફ બેજોસ પર પણ તડાફરી બોલી હતી. તેમના પર આક્ષેપ કરાયો હતો કે, એમેઝોન થર્ડ પાર્ટી ડેટાનો ઉપયોગ કરી ગ્રાહકને ખરીદવા માટે વાતાવરણ ઉભુ કરે છે. જો કે, આ બાબતનું એમેઝોન દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. ડેટાનો ગેરઉપયોગ કરવા સામે કંપની દ્વારા સખત નીતિ બનાવવામાં આવી છે. તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
ટેક કંપનીઓના જમાવડામાં જ ટેક ક્ષતિઓ સર્જાઈ
એમેઝોન, ફેસબુક, ગુગલ અને એપલ સહિતની કંપનીઓ શામ, દામ, દંડ, ભેદથી હરિફોને હંફાવે છે અને ધોમ રૂપિયા કમાય છે તેવા આક્ષેપ દરમિયાન ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષના સભ્યોના સવાલ જવાબ વખતે મસમોટી ટેકનીકલ ક્ષતિઓ સર્જાઈ હતી. એકાએક અવાજ ચાલ્યો ગયો હતો તો ક્યારેક સ્ક્રીન પણ બંધ થઈ ગઈ હતી. આ માથાકૂટ દરમિયાન વારંંવાર માસ્ક પહેરવા માટે મહાનુભાવોને તાકીદ પણ કરવામાં આવી હતી.