રોગચારાનો કહેર અટકાવવા મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી
કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા ટેસ્ટનું પ્રમાણ વધારાશે
કોરોના સામેનો જંગ લડવા મહાપાલિકાને વધુ પાંચ કરોડ અપાશે: મુખ્યમંત્રી
વડોદરામાં હાલમાં ૩૪૦૦ બેડસ્ની સુવિધા છે તે ટૂંક સમયમાં વધારીને ૫૦૦૦ બેડની સુવિધા કરાશે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી મહાપાલિકાને વધુ રૂ.૫ કરોડની ફાળવણીની પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અત્રે જાહેરત કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતફંડમાંથી વડોદરા મહાનગરપાલિકાને વધુ રૂ.૫ કરોડ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી રાહતફંડમાંથી વડોદરા મહાનગરપાલિકાને રૂ.૧૦ કરોડ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રૂ.૫ કરોડ સહિત કુલ રૂ.૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ શરૂઆતથી જ કોરોના સામે લડવા સર્વગ્રાહી પગલાઓ લઇ કોરોના સંક્રમિતોને ઝડપી સારવાર મળે તે માટેની જરૂરી આંતર માળખાકિય સુવિધાઓ હોસ્પિટલોમાં ઉભી કરી છે. કોરોના સામેનો જંગ સામૂહિક પ્રયાસોથી જીતી શકાશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવશે. એટલું જ નહિ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં જરૂરી તમામ તબીબી સાધનો પૂરાં પાડવામાં આવશે. વડોદરામાં હાલમાં ૩,૫૦૦ બેડ્સની સુવિધા છે જે આગામી દિવસોમાં ૫,૦૦૦ સુધી લઇ જવામાં આવશે. તેમણે એવો સંકેત આપ્યો કે, વડોદરાને જરૂરી હશે તેટલા વેન્ટીલેટર, દવાઓ અને અન્ય તમામ જરૂરી સાધનો રાજય સરકાર ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય સેવાના તબીબો, આઇ.એમ.એ.ના પ્રતિનિધિઓ અને જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સાથે અલગ અલગ વિશેષ બેઠક યોજી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિકવરી રેટ ૭૩ ટકા છે જ્યારે મૃત્યુદર ૭ ટકાથી ઘટીને ૪ ટકા સુધી લાવવામાં સફળતા મળી છે. રાજયમાં કોરોના મૃત્યુદરનું પ્રમાણ ઘટે તે માટે સરકારી હોસ્પિટલ્સને અદ્યતન તબીબી સાધન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.
રાજય સરકારે ટોસીલીઝુમેબ, રેમેડીસિવિર જેવા મોંઘા ઇન્જેકશન્સ જે જીવનરક્ષક છે તેની વ્યવસથા કરી છે અને સહુને તેનો લાભ આપવામાં આવ્યો છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, હાલમાં નવું ઇન્જેકશન ઇટાલીઝુમા આવ્યું છે તેની પણ વ્યવસથા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ મોંઘા અને જીવનરક્ષક ઇન્જેકશન્સની કાળા બજારી કરનારા અને તેમાં ભેળસેળ કરનારા કે નકલી ઇન્જેકશન્સના વેચાણ કરનારાઓને છોડવામાં નહિ આવે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ખાનગી ડોકટરો કોવીડ સંક્રમિતોને પોતાની સેવાઓ આપી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા જે ખાનગી તબીબોનું કોરોનાથી અવસાન થયું છે તેમને વિમાછત્રનો લાભ આપવા સૂચન કર્યુ છે. આ ડોકટર્સ પણ કોરોના વોરિયર છે એટલે આ સૂચન અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજય કોરોના કોવીડ-૧૯ના કેસોની સંખ્યામાં પહેલા-બીજા ક્રમે હતુ, રાજય સરકારના સુચારું પ્રયાસોના પરિણામે ગુજરાત આજે કોરોના સંક્રમિત કેસો ઘટાડીને બારમા ક્રમે પહોંચ્યું છે.
ઓગષ્ટ માસમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી આયોજકો સ્વયંભૂ રીતે મોકુફ રાખે અને ઉત્સવોની ઉજવણી કોરોના સંક્રમણનું માધ્યમ ન બને તેવો મુખ્યમંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો. આવી જ સ્થિતિ રહે તો નવરાત્રિ પણ મોકુફ રાખવી પડે પરંતુ આ બાબતમાં સરકાર પરિસ્થિતિને અનુલક્ષીને જે-તે સમયે નિર્ણય લેશે.
આ સમીક્ષા બેઠકો અને મુખ્યમંત્રીના વડોદરા મુલાકાતમાં રાજયમંત્રી યોગેશભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાન, આરોગ્ય અગ્ર સચિવ મતી જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ર્ડા. વિનોદ રાવ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મ્યનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાય, કલેકટર મતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.