પડધરી, કંડોરણા, જેતપુર અને શાપરમાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ: રૂ.૭૭૦૦૦નો મુદ્દામાલ કબ્જે
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસની જુગારની પુરબહાર મૌસમ ખીલી હોય તેમ પડધરી, જેતપુર જામકંડોરણા અને શાપર સહિત ચાર સ્થળોએ સ્થાનિક પોલીસે દરોડો પાડી ૨૨ શખસોની ધરપકડ કરી ૭૭ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના આંબેડકરમાં જાહેરમાં જુગાર રમતો મહમદ પોપટ મેમણ, દિનેશ શામજી પરસોંડા, નલીન ભુપત ડાભી અને જીતુ મુન્ના નાગાણીની ધરપકડ કરી રૂા.૧૧૫૭૦ કબજે કર્યા છે. જ્યારે જામકંડોરણાના ભાદરા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા સતીષ પ્રભુ રાવલ, દિપક મનસુખ પીઠવા અને યોગેશ મગન ખરવડની ધરપકડ કરી રૂા.૭૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. શાપરની આશ્રય સોસાયટી પાસે જુગાર રમતા મનસુખ ગંગારામ બાવાજી, અશોક વશરામ કાતરીયા, મુકેશ વલ્લભ મુળાશીયા, મહેશ લખમણ બાબરીયા, ધર્મેન્દ્રસિંહ જેઠુભા વાળા અને જયેશ કાના સરવૈયાની ધરપકડ કરી રૂા.૪૧૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. શિતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં જુગટુ ખેલતા લવજી બાલા સોલંકી, દિલીપ મનસુખ પરમાર, જેરામ કાલા સોલંકી, મહેશ લખમણ ચૌહાણ, ગીરીશ ભલા વાઘેલા અને દલા મીઠા વાઘેલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર તાલુકાના પેઢલા ગામે જુગાર રમતા જયદીપ મકવાણા, મહેશ ઉર્ફે ડુબી મકવાણા, ભાવેશ ઉર્ફે ભયકો મકવાણા, અજય વિનુ મોલીયા, વિક્રમ ચના કંડારીયા, શૈલેષ કંડારીયા અને પીયુષ રાઠોડની ધરપકડ કરી રૂ.૨૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્રમાં ૧૧ સ્થળોએ જુગટુ ખેલતા ૬૩ શકુની ઝડપાયા
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં જુગાર રમતા ૭ શખસોની ધરપકડ કરી રૂા.૨૬૫૦, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં બે સ્થળોએ જુગાર રમતા ૧૧ શખસોની ધરપકડ કરી રૂા.૨૭૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાણવડમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખસોની ધરપકડ કરી ૪૫૪૦૦ રોકડ કબજે કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર અને પાળીયાદમાં જુગટુ ખેલતા ૮ શખસોની ધરપકડ કરી ૧૪૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં જુગાર રમતા ૨૧ શખસોની ધરપકડ કરી ૪૬૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જુગાર રમતા ચાર શખસોની ધરપકડ કરી રૂા.૪૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ભાવનગર જિલ્લાના મહુવામાં ૫ શખસો જાહેરમાં જુગટુ ખેલતા ધરપકડ કરી રૂા.૧૨૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.