હજુ એક મહિના સુધી લોકોએ નિયંત્રણો હેઠળ રહેવું પડશે, ત્યારબાદ છૂટો દોર મળે તેવી પ્રબળ સંભાવના : હવે કોરોના સામે લડવામાં લોકજાગૃતિ જ એક માત્ર મુખ્ય હથિયાર હોવાનો સરકારનો આડકતરો ઈશારો
૧ ઓગસ્ટથી રાત્રી કરફ્યુનો અંત અને જિમોના દરવાજા ખુલશે, બાકી કોઈ રાહત નહી
અનલોક-૩ની સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે. હવે આ અનલોક છેતરામણું છે કે સાવચેતીપુર્વકનું તે સમજવું સામાન્ય લોકો માટે ગડમથલભર્યું છે. જો કે લોકોએ વધુ રાહત મળવાની અપેક્ષાઓ રાખી હતી. પરંતુ કેન્દ્ર દ્વારા માત્ર જિમ ખોલવાની અને રાત્રી કરફ્યુ હટાવવાની જ જાહેરાત કરી છે. વધુમાં હવે ઓગસ્ટ મહિના બાદ વધુ છૂટછાટ મળે તેવી પ્રબળ સંભાવનાઓ છે.
ભારતમાં ૧ ઓગસ્ટથી અનલોક-૩ અમલી બનવાનું છે. આ અનલોક વિશે ગૃહ મંત્રાલયે ગતરોજ જાહેરાત કરી દીધી છે. જેમા રાત્રીના સમયે અવર-જવર કરવા પર જે નિયંત્રણો મુકવામાં આવ્યા હતા તે ઉઠાવી લેવામાં આવ્યા છે. યોગ સંસ્થાઓ તથા જીમને ૫ ઓગસ્ટથી ખોલવા માટે મંજૂરી આપવામાં આવનાર છે. વધુમાં
સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્ડિંગ તેમજ અન્ય આરોગ્ય સંબંધિત નિયમો જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે.
શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ ૩૧ ઓગસ્ટ સુધી હજુ બંધ રહેશે.મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે. જો કે આ તમામ રાહત ક્ધટેઈનમેન્ટ ઝોનની બહાર જ લાગુ થશે. તેવું સ્પષ્ટ પણે જણાવાયું છે.
વધુમાં ગૃહ મંત્રાલયે મેટ્રો રેઈલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ તથા તેના જેવા અન્ય સ્થળો બંધ રાખવા જણાવ્યું છે. ઉપરાંત કોઈ પણ પ્રકારના મેળાવડાઓ યોજવા ઉપર પણ પ્રતિબંધ યથાવત રાખ્યો છે.
આમ કેન્દ્ર દ્વારા અનલોક-૩ની જે જાહેરાત કરી છે તે છેતરામણી છે કે સાવચેતીપૂર્વકની તે ચર્ચાનો વિષય બની છે.
જો કે એક તરફ એવી પણ ચર્ચા ઉઠી છે કે આ જાહેરાતમાં કઇ ખાસ નથી. કારણકે મહામારીના પગલે લોકો રાત્રીના કામ વગર બહાર નીકળતા જ ન હતા.
એટલે કોઈ ખાસ ફાયદો થવાનો નથી. વધુમાં જિમ સંચાલકોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે કસરત કરવી એ સ્વાસ્થ્ય માટે સારું છે. કોરોનાની ગંભીર બીમારી વચ્ચે લોકોને કસરત કરવા રોકવા અયોગ્ય છે. માટે જીમને તો છૂટ મળવી જોઈએ.
સરકાર દ્વારા આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને જીમને છૂટ આપી દેવામાં આવી છે. બીજી તરફ વધુ છૂટ મળવાને હજુ એક મહિનો લાગશે તેવું જાણવા મળ્યું છે. સપ્ટેમ્બર મહિનાથી સરકાર ઘણી છૂટછાટ જાહેર કરશે તે નક્કી છે. વધુમાં હવે સાશકોએ સ્વીકારી લીધું છે કે કોરોનાના કેસો વધવાના જ છે.
એક તબક્કે કોરોનાના અઢળક કેસો આવ્યા બાદ તે ઘટી જશે તેવું નિષ્ણાંતોનું જ માનવું છે માટે હવે સરકારે પણ કોરોનાથી બચવા માટે લોકજાગૃતિ જ એક માત્ર મોટું હથિયાર હોવાનો આડકતરો ઈશારો કરી દીધો છે.