રૂ.૧૦૦૦ના દરની ૯,૩૧૨ અને રૂ.૫૦૦ના દરની ૭૬,૭૩૯ નોટ સાથે બે શખ્સોને એટીએસે કરી ધરપકડ
ચાર વર્ષ સુધી રદ થયેલી નોટ કોની પાસેથી મેળવી અને કોને સાચવી રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ
રૂા. ૧૦૦૦ અને રૂા.૫૦૦ના દરની નોટને ચાર વર્ષ પહેલાં રદ કરવામાં આવી હોવા છતાં ગોધરાના બે શખ્સો પાસે રદ થયેલી કરોડોની નોટ હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે દરોડો પાડી રૂા.૪.૭૮ કરોડની ‘રદ’ થયેલી રૂા.૧૦૦૦ અને રૂા.૫૦૦ના દરની નોટ મળી આવતા એટીએસ અને ગોધરા પોલીસે બંને શખ્સોએ નોટ કોની પાસેથી મેળવી અને ચાર વર્ષ સુધી નોટ કેમ સાચવી રાખી હતી તે અંગે સઘન પૂછપરછ હાથધરી છે.
ગોધરાના ધંત્યા પ્લોટની મહંમદી સોસાયટીમાં રહેતા ઇન્દ્રીશ હયાત અને ફારૂક ઇશાક છોટાની કારમાં રદ થયેલી ચલણી નોટની હેરાફેરી કરતા હોવાની એટીએસ અને પંચમહાલ એસઓજી સ્ટાફને મળેલી બાતમીના આધારે ગઇકાલે દરોડો પાડી બંને શખ્સોને ઝડપી લીધા હતા. તેની પાસેથી રૂા.૪.૭૮ કરોડની રૂા.૧૦૦૦ના દરની અને રૂા.૫૦૦ના દરની મળી આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.
૨૦૧૬માં રૂા.૧૦૦૦ અને રૂા.૫૦૦ના દરની નોટને ચલણમાંથી રદ કરવામાં આવી હતી. તેમજ છતાં ઇન્દ્રીશ પાસે રદ થયેલી નોટ હોવાની મળેલી બાતમીના આધારે ગોધરા ખાતે વોચ ગોઠવી ફારૂક ઇશાક છોટાને ઇન્ડિકા કારમાં રૂા.૧૦૦૦ના દરના પાંચ બંડલ લઇને જતો હતો તે દરમિયાન ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા રૂા.૧૦૦૦ના દરની રદ થયેલી નોટના બંડલ ગોધરાના મહંમદી સોસાયટીમાં રહેતા ઇન્દ્રીશ હયાત પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી.
ફારૂકની કબુલાતના આધારે એટીએસ અને એસઓજી સ્ટાફે મહંમદી સોસાયટીના ઇન્દ્રીશ સુલેમાન હયાતના મકાનમાં દરોડો પાડી રૂા.૧૦૦૦ના દરની ૯૩૧૨ નોટ અને રૂા.૫૦૦ના દરની ૭૬૭૩૯ નોટ મળી આવતા પોલીસે નોટની ગણતરી જુદી જુદી બેન્કમાંથી નવ જેટલા મશીન લાવવા પડયા હતા.
ઇન્દ્રીશ હયાત ભાગી જતા પોલીસે તેના પુત્ર જુબેર હયાતની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇન્દ્રીશ હયાત પશુની હેરાફેરીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. તે ઝડપાયા બાદ જ ચાર વર્ષ પહેલાં રદ થયેલી નોટનો આટલો મોટો જથ્થો કયાંથી મેળવ્યો અને શા માટે મેળવ્યો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.