પીઆઈ-પીએસઆઈએ વેપારીને દુકાનેથી ઉઠાવી પોલીસ સ્ટેશને લઈ જઈ ધમકી આપી
વેપારીએ ગૃહ સચિવ, માનવ અધિકાર પંચ સમક્ષ નાખી ધા
જામજોધપુર તાલુકાના મોટોગોપ ગામમાં વસવાટ કરતા એક વેપારીને પાંચ દિવસ પહેલાં પીઆઈ, પીએસઆઈ અને પોલીસકર્મી વર્લીના આંકડા લેતો હોવાનું કહી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પૈસા માંગી ડરાવાયા હોવાની રજુઆત રાજ્યના ગૃહસચિવ તેમજ રેન્જ આઈજી વિગેરેને કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મોટીગોપ ગામમાં રહેતા વસરામભાઈ વેજાણંદભાઈ કારેણા ખેતીની જમીન તેમજ ગામમાં ભગીરથ જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે. તેઓ ગયા ગુરૃવારે પોતાની દુકાને સાંજના સમયે હાજર હતા ત્યારે ખાનગી વાહનમાં ત્યાં આવેલા જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજાપતિ, પીએસઆઈ ઝાલા, પો.કો. અર્જુનસિંહે વર્લીમટકાનો ધંધો કરો છો તેમ કહી ટેબલ પર પડેલા દુકાનના ખોળ, કપાસીયા, અનાજના હીસાબોની બુક અને ખાનામાંથી રૂા. ૩૦૪૦ રોકડા કાઢી લઈ વસરામભાઈના ખીસ્સામાં મૂકી દીધા હતાં.
ત્યારપછી ઉપરોક્ત વ્યક્તિઓએ દુકાનમાં વર્લીનું સાહિત્ય શોધવા તપાસ કરી હતી પરંતુ કાંઈ ન મળતા વસરામભાઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. તે વેળાએ ગામના કેટલાક માણસો દુકાને એકઠા થઈ જતા તેઓને ધમકાવીને તગડી મૂકાયા હતાં. તે વેપારીને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા પછી ત્યાં ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીએ રૂા. ૨૫,૦૦૦ની માંગણી કરી હતી પરંતુ વેપારીએ ‘મેં કોઈ ગુન્હો કર્યો નથી’ તેમ કહેતા ડરાવવામાં આવ્યા હતાં અને કોરા કાગળમાં સહી કરાવી લેવાઈ હતી.
તે પછી મનસુખ સામતભાઈ સોલંકી, રજનીભાઈ કારેણા, પ્રતિક જોશી, પરબતભાઈ શીર નામના ગોપ ગામના ચાર વ્યક્તિ પોલીસ સ્ટેશન આવતા તેમની પાસે રૃા. ૧૦,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. તે પછી પણ વસરામભાઈએ પૈસા આપવાની ના પાડતા આ વેપારીને અન્ય ત્રણ વ્યક્તિ સાથે લોકઅપમાં મૂકી દેવાયા હતાં. તેથી ગભરાયેલા અન્ય લોકોએ રૂા. ૯૦૦૦ આપ્યા હતાં. પછી તેઓનો છૂટકારો થયો હતો. આથી વસરામભાઈએ પોતાની સાથે થયેલા અન્યાય અંગે રાજ્યના ગૃહ સચિવ, માનવ અધિકાર પંચના રાજ્ય ચેરમેન, રાજકોટ રેન્જના આઈજી તેમજ જામનગરના જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી રજુઆત કરી છે. જેમાં તેઓએ પીઆઈ, પીએસઆઈ, એક પો.કો. અને ત્રણ અજાણ્યા પોલીસકર્મી સામે રાવ કરી છે.