હવે કોરોના વોરિયર્સને ભરખતો કોરોના: સ્થિતિ વણસવા તરફ
જિલ્લા કલેકટર કચેરીના બિનખેતી શાખાના મામલતદારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કચેરીમાં કુલ ૬ કેસ નોંધાયા : ચિટનીશ ટુ કલેકટર સહિતના ૬ લોકોને કરાયા હોમ ક્વોરેન્ટાઇન
હવે કોરોના વોરીયર્સ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા હોય સ્થિતિ વધુ વણસે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય, પોલીસ, મહેસુલ અને વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના ભરખી રહ્યો હોય તંત્ર પણ ચિંતામાં ગરક થયું છે. કોરોનાથી સામાન્ય જનતાને બચાવનાર જ કોરોનાની હડફેટે ચડી જતા હાલ ભારે તણાવભરી સ્થિતિ ઉભી થઇ છે.
કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સામાન્ય જનતા તો ઠીક હવે કોરોના વોરીયર્સ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, મહેસુલ તંત્ર અને વીજ તંત્ર કોરોનાની ઝપટે ચડી રહ્યું છે. તાજેતરમાં પોલીસ વિભાગમાં ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ પીઆઇ એચ.એન. ગઢવી તેમજ તેમનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હતો. આ સાથે પીએસઆઈ એચ.બી.ધાંધલીયા, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર સહિતના કોરોનાની ઝપટે ચડ્યા છે.
વધુમાં આરોગ્ય તંત્રમાં પણ અનેક તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ફરજ ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયો હોવાના દાખલા છે. આ ઉપરાંત વીજ તંત્રમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં પીજીવીસીએલના ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા ડેપ્યુટી એન્જીનયર જીતુભાઇ ભટ્ટ અને તેમના જુનિયર એન્જીનિયર કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાએ મહેસુલ તંત્રને પણ બાકાત રાખ્યું નથી.
જ્યાંથી કોરોના સામે લડવા માટેના જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે કચેરીમાં જ કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. પ્રથમ પીઆરઓ શાખાના ક્લાર્ક ગોપીબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જોત જોતામાં કચેરીમાં ૫ કેસ નોંધાઇ ચુક્યા છે.
તેવામાં આજરોજ વધુ એક નવો કેસ સામે આવી ગયો છે. જેમાં બિન ખેતી શાખામાં ફરજ બજાવતા મામલતદાર તન્ના કોરોનાથી સંક્રમિત થયા છે.
તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા ચિટનિશ ટુ કલેકટર સહિતના ૬ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે બિન ખેતી શાખાને બંધ પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત મામલતદાર તન્ના લોકડાઉન વચ્ચે જિલ્લામાં બહાર જવાના પાસ ઇસ્યુ કરવાની મહત્વની કામગીરી સંભાળતા હતા.
ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીમાં અત્યાર સુધીમાં કુલ ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. પોઝીટીવ કેસોને પગલે પીઆરઓ, રજીસ્ટ્રી, જી- સ્વાન અને બિનખેતી શાખા બંધ કરી દેવાની નોબત પણ આવી છે.