ધોરાજી, જામકંડોરણા, વિરપુર અને શાપરમાં પતા ટીંચતી ૧૩ મહિલા સહિત ૪૭ શખ્સો ઝડપાયા
રોકડ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૨૩.૩૭ લાખનો મુદામાલ જપ્ત
શ્રાવણ મહિનો એટલે જાણે જુગાર રમવાની સીઝન ખુલ્લી હોય જેમાં મહિલાઓ પણ જુગાર રમવામાં પુરુષોની જેમ પીછેહઠ નથી કરતી ત્યારે પોલીસે જામકંડોરણા, ધોરાજી, વિરપુર અને શાપરમાં જુગારનાં દરોડા પાડી પતા ટીંચતી ૧૩ મહિલા સહિત ૪૭ શખ્સોને ઝડપી, રોકડ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૨૩.૩૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જામકંડોરણાનાં બંધીયા ગામે આવેલા ઘનશ્યામસિંહ ઉર્ફે ધનુભા દિલુભા જાડેજાનાં ફાર્મહાઉસમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી જામકંડોરણા પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા સહિત રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, ગોવિંદભાઈ મેરામણભાઈ ચાવડા, હઅરેશભાઈ દેવકરણભાઈ રાજપરા, વરજાંગભાઈ ભુરાભાઈ છૈયા, વિપુલભાઈ જગદીશભાઈ થોરીયા, તરૂણભાઈ હંસરાજભાઈ ગામી, મિરલ રાઘવભાઈ ડોડીયા અને અંકિત દિનેશભાઈ ભાણવડિયા નામના શખ્સોને ઝડપી જામકંડોરણા પી.એસ.આઈ જે.યુ.ગોહિલ સહિતના સ્ટાફે જુગારના પટમાંથી રૂ.૪.૭૫ લાખની રોકડ તેમજ ત્રણ કાર અને નવ મોબાઈલ મળી કુલ રૂ ૧.૨૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે બીજો જુગાર દરોડો, ધોરાજીમાં પાડી જુગાર ખેલી રહેલા અબ્દુલ વહાદ સૈયદ, જાવેદ કાદર વહાદ સહિત છ શખ્સોને રોકડ અને છ મોબાઈલ મળી કુલ રૂ.૪૬,૫૦૦નો મુદામાલ કબજે કર્યો છે.
તેમજ અન્ય દરોડો ધોરાજીની માથુકીયાવાડીમાં પાડી પતા ટીંચતી ગીતાબેન રમેશભાઈ રામાણી, કાજલબેન અલ્પેશભાઈ કોયાણી, ગોપીબેન રમણીકભાઈ કોયાણી, રેખાબેન જમનભાઈ ધાડીયા, રીનાબેન જસ્મીનભાઈ કોયાણી, રીટાબેન પ્રવિણભાઈ કાપડીયા, જયાબેન કેશુભાઈ બારડ, નીયુબેન રાજેશભાઈ આહિર, નીતાબેન રાજેશભાઈ ગોંડલીયા, શીતલબેન હિતેશભાઈ કોયાણી અને રમાબેન રમેશભાઈ કરાગડા નામની મહિલાઓને રૂા.૭ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા છે. જયારે અન્ય દરોડો જામકંડોરણાના રોગસ ગામે પાડી જુગટુ રમતા નિલેશ છગનભાઈ વેકરીયા સહિત છ શખ્સોને રૂા.૩૬,૭૦૦ની રોકડ સાથે જામકંડોરણા પોલીસે ઝડપી લીધા છે. જયારે પાંચમાં જુગારનાં દરોડોમાં વિરપુરના પીઠડીયા ગામની સીમમાં રેડ પાડી જુગાર ખેલતા હસન સલીમભાઈ ખેડારા, રફીક સતારભાઈ ઓડીથા, દીનેશ વિનુભાઈ ચૌહાણ, ગોપાલ નાનુભાઈ કોરાટ, રમાબેન હાસમભાઈ મોરાણી અને સોનલબેન ઉર્ફે કાળીબેન ચંદુભાઈ ચાવડાને રૂા.૩૬,૪૪૦ની રોકડ સાથે વિરપુર પોલીસે ઝડપી લીધા છે.
જયારે અન્ય જુગારના દરોડો વિંછીયાના પીપરડી ગામે વાડી, જુગાર ખેલતા વિનુ શીવાભાઈ વેદાણી સહિત ચાર શખ્સોને ઝડપી રૂા.૭૩૦૦ની રોકડ વિંછીયા પોલીસે કબજે કરી છે. જયારે અન્ય દરોડામાં શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા નાથા પ્રતાપભાઈ બાંભણીયા સહિત બે શખ્સોને રૂા.૩૧૫૦ની રોકડ સાથે શાપર પોલીસે ધરપકડ કરી છે.
બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ અને બજાણામાં જુગટુ ખેલતા ૫૪ શકુનીઓ ઝડપાયા
શ્રાવણ માસમાં પતાપ્રેમીઓ પર પોલીસે જુદા જુદા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે બોટાદમાં જુગારના બે દરોડા પાડી રૂા.૨૧૨૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. જયારે દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર અને ખંભાળીયામાં પણ ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી રૂા.૫૦ હજારના મુદામાલ સાથે જુદા જુદા ત્રણ દરોડામાં ૧૫ શકુનીઓને ઝડપી પાડયા છે. જયારે ગીર સોમનાથ જીલ્લામાં પ્રભાસપાટણમાંથી રૂા.૧૮,૧૮૦ના મુદામાલ સાથે ૯, તાલાલામાંથી ૧૦,૩૬૦ના મુદામાલ સાથે ૮ અને ઉનામાં ૫ પતાપ્રેમીઓને રૂા.૧૧,૬૫૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે. જયારે સુરેન્દ્રનગરના બજાણા ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૧ શકુનીઓને રૂા.૨.૩૩ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.