અન્ય બિમારીઓના દર્દીઓને થતી હાલાકી કારણે કોવિડ હોસ્પિટલ અન્ય સ્થળે ઉભી કરવા અનુરોધ
ગોંડલ શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાના કેસને લઈને શહેરીજનોમાં દહેશતનો માહોલ ઉભો થવા પામ્યો છે તો બીજીબાજુ ગોંડલ સરકારી હોસ્પિટલને કોરોના સેન્ટર બનાવવાનો જવાબદાર અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે.
વિશ્ર્વ વ્યાપી કોરોના મહામારીને નાથવા માટે સરકાર દ્વારા લોક સુરક્ષાને ધ્યાનમાં રાખી કોરોના રોકવા માટે ગાઈડલાઈન બહાર પાડી લોકો સુરક્ષિત રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં વાઈરસ દિન-પ્રતિદિન વધતો જતો હોય છે ત્યારે ગોંડલ પંથકમાં પણ કોરોનાના પોઝીટીવ કેસ ૧૦૦ આસપાસ પહોંચી ગયા છે ત્યારે સ્થાનિક લોકોને પોઝીટીવ કેસ ન હોય જેથી ગોંડલ સુરક્ષિત છે જો આ કોવિડ-૧૯ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે તો ગોંડલ શહેર તેમજ તાલુકાને મળતી આરોગ્ય સુવિધાથી પણ વંચિત રહેવાની નોબત આવી પડે છે. લોકડાઉન દરમ્યાન ગોંડલ સરકારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં ચાર માસની અંદર ૫૭૨૫૫ કેસો તપાસવામાં આવ્યા છે. ઈન્ડોર સારવાર ૧૦૧૩૨, ડીલેવરી ૩૯૮, સીજેરીયન કેસ ૧૩૫, નાના-મોટા ઓપરેશન ૫૦૩, લોકડાઉનમાં કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગોંડલ શહેરમાં તેમજ પંથક હાઈવે ઉપર અકસ્માત થતા હોય તેવા દર્દીઓની સારવાર તાત્કાલિક થતી હોય છે જો કોવિડ-૧૯ હોસ્પિટલ અહીંયા થાય તો ઉપરની મળતી તમામ સારવાર દર્દીઓને આપવામાં મુશ્કેલી ઉભી થવાની શકયતા નકારી શકાઈ નહીં જેથી જવાબદાર અધિકારીઓએ આ હોસ્પિટલને બાદ કરી અન્ય જગ્યા પસંદગી કરવી જરૂરી બની છે.
જયારે કોવિડ-૧૯ હોસ્પિટલ અંગે સામાજીક કાર્યકર પ્રફુલભાઈ રાજયગુરુનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, જીલ્લા પંચાયતનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ભંડેરી સર્વે કરવા આવ્યા બાદ ડો.ઉમેદ પટેલ ડો.એમ.એસ.અલી મેડિકલ કોલેજના એ સર્વે કરી ગોંડલ સરકારી હોસ્પિટલને આઈસોલેશન વિભાગમાં ફેરવવાની કામગીરીનો સર્વે કરવામાં આવ્યો છે પરંતુ ગોંડલ શહેરમાં એકમાત્ર ૧૫૦ બેડની હોસ્પિટલ હોય તમામ સારવાર દર્દીઓની અહીંયા થતી હોય ઉપરાંત નેશનલ હાઈવે એકસીડેન્ટ ઝોન હોય મોટાભાગના કેસો અહીંયા આવતા હોય છે. આ હોસ્પિટલમાં આઈસોલેશન કરવામાં આવે તો કોરોના સંક્રમણ વધી જવાની શકયતા છે. ઉપરોકત બાબતે માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પણ મૌખિક રજુઆત કરેલ તેઓએ પણ ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં મળતી સેવાએ અવિરત ચાલુ રહે અને કોરોનાથી સંક્રમણ થયેલા દર્દીઓની ચિંતા કરી સરકારી હોસ્પિટલ સિવાય અન્ય જગ્યાએ કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટે આઈસોલેશન વિભાગની જગ્યા અન્ય જગ્યાએ ફાળવવા ખાત્રી આપી હતી. જયારે ડો.ઉમેદ પટેલ અને ડો.એમ.એસ.અલીને પણ ઉપરોકત બાબતે સામાજીક કાર્યકર પ્રફુલભાઈ રાજયગુરુએ વાકેફ કર્યા હતા.