ગરબા રમ્યા વિના રહી ન શકતી એવી ગરબાઘેલી પ્રજા માટે નવરાત્રી આયોજકો બુદ્ધિચાતુર્ય પૂર્વક ગોઠવી રહ્યા છે ગરબાનું આયોજન
હાલ કોરોનાની વૈશ્વિક બીમારી વચ્ચે મેળાવડા યોજવા ઉપર સખત પ્રતિબંધ છે. તેવામાં નવરાત્રી નજીક આવી રહી છે અને રાજકોટની ઉત્સવપ્રિય પ્રજા ગરબા રમ્યા વિના રહી શકે તેમ નથી.તેવામાં નવરાત્રીના આયોજકો પોતાની બુદ્ધિ ચાતુર્યથી કઈક એવો રસ્તો શોધી રહ્યા છે કે કોઈ પ્રકારનું જોખમ પણ ન રહે અને રાજકોટીયન્સ મન મુકીને ગરબે પણ રહી શકે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો કે દર વર્ષે અત્યારના સમયમાં ગરબાપ્રેમીઓ ગરબાની પ્રેક્ટિસ અને સાજ- શણગારની ખરીદીમાં લાગી ગયા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોય. ધાર્મિક કે સામાજિક મેળાવડાઓ યોજવા ઉપર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાલ જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટરના આદેશને પગલે સૌરાષ્ટ્રનો લોકપ્રિય એવો લોકમેળો પણ રદ કરવામાં આવ્યો છે.
ત્યારે હવે નવરાત્રીના કાર્યક્રમો પણ નહીં યોજાઈ તેવુ ખેલૈયાઓએ માની લીધું છે. પરંતુ આયોજકો તરફથી મળતી વિગત મુજબ કોરોના આવે કે જાય ગરબાના કાર્યક્રમો તો યોજવામાં આવવાના જ છે. હવે પ્રશ્ન એ થાય છે કે સરકારની ગાઈડલાઈનની વિરુદ્ધ જઈને આયોજકો ગરબાના આયોજન કરશે? તો તેના જવાબમાં આયોજકોએ કહ્યું કે ના, તેઓ દ્વારા નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવશે તે પણ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરીને. દર વર્ષ કરતા આ વર્ષની નવરાત્રી કઈક અલગ જ હશે.
રાજકોટની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. માટે આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે. જો કે આ અંગે હજુ આયોજકોએ કોઈ ફોડ પાડી નથી. તેઓએ રાજકોટની પ્રજા જોગ એવું જણાવ્યું છે કે ગરબા તો યોજવાના જ છે. કોરોનાની મહામારી કાઈ રાજકોટની પ્રજાને ગરબે ઘૂમતા થોડી રોકી શકે. માટે ગરબા તો ધામધૂમથી યોજવાના જ છે. બસ રાજકોટવાસીઓએ થોડા સમય રાહ જોવી પડશે. ટૂંક સમયમાં જ રાજકોટવાસીઓ માટે યોજાનાર ગરબાની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે કે કેવી રીતે ગરબા યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગરબાપ્રેમીઓ તો કોરોનાના પગલે ગરબા નહિ યોજાઈ તેવું વિચારીને નિરાશ થઈ ગયા છે. પરંતુ ગરબાના આયોજકોએ તેઓને નિરાશ ન થવા જણાવ્યું છે અને અનોખા ગરબા રમવા માટે તૈયાર થઈ જવાનો સંદેશો પણ પાઠવ્યો છે.