મડદા ઉપર ગીધડાઓનો ડોળો!!!
મહામારીમાં પણ કાળો કારોબાર કરવા દવા કંપનીઓ વચ્ચે જબરી હરીફાઈ: રોગ પ્રતિકારક શક્તિ વધારવાના નામે ગામડાઓ સુધી ઉકાળાના હાટડા ધમધમવા લાગ્યા
કોવિડ-૧૯ મહામારી નાબુદ થાય તે પહેલા માણસ જાતને ઘણુ સકારાત્મક શીખવા મળશે
કોરોનાની મહામારી વચ્ચે પિસાય રહેલી માનવજાતનો ફાયદો ઉઠાવવા માટે દવા કંપનીઓ મેદાને પડી છે. એકતરફ લોકો માંદગીના બીછાને પટકાઈ રહ્યાં છે. લોકોને મહામારીના નામે ડરાવીને પૈસા પડાવવાની મસમોટી રમત ચાલી રહી છે. મોટા શહેરોથી લઈ નાના ગામડામાં રોગપ્રતિકારક શક્તિ વધારી દેવાના દાવાઓ કરતા ઉકાળાના હાટડા ધમધમી રહ્યાં છે. માત્ર નજીવા સમયમાં આ કારોબાર અબજોનો થઈ ચૂકયો છે. ત્યારે કોરોના પણ હજુ કાબુમાં આવ્યો નથી. આટ આટલા ખર્ચા કરવા છતાં હજુ પણ દેશમાં કોરોનાથી સંક્રમીત દર્દીનો આંકડો કાબુમાં લેવાઈ શકાયો નથી. હાલ એક જ દિવસમાં ૫૦,૦૦૦થી વધુ દર્દી નોંધાયાનું જાણવા મળે છે.
મસમોટી દવા કંપનીઓથી લઈ શેરી-ગલીઓમાં ચાલતા દવાઓના હાટડા પણ કોરોનાની મહામારી દૂર ચાલી જશે તેવા દાવાઓ કરી લોકો પાસેથી ધરખમ નાણા વસુલી રહ્યાં છે. તાજેતરમાં જ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. જે મુજબ જે દવા એક મહિના પહેલા ૧૦૦ રૂપિયાની મળતી હતી તે હવે માત્ર ૬૦માં મળવા લાગી છે. એકંદરે દવાના ભાવમાં રૂ ા.૪૦ જેટલું તોતીંગ ગાબડુ પડ્યું છે. જેના પરથી જણાય આવે કે, અગાઉ કંપનીઓ આ દવાને મોટા માર્જીન સાથે વેંચતી હતી અને હજુ આ દવાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તેવી ધારણા છે. પરિણામ એ વાત ફલીત થઈ જાય છે કે, લોકોને ડરાવીને પૈસા ઉસેડવાનો ધંધો ટોચે પહોંચ્યો છે.
કોરોના મહામારીના અજગરી ભરડા વચ્ચે માણસાઈ ભૂલીને દવા કંપનીઓ ભરપુર લાભ ઉઠાવી રહી છે. ફેવીપીરાવીર નામની દવા કોરોના વાયરસના હલકા અને મધ્યમ સ્તરના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે ફાયદારૂ પ હોવાનો દાવો કરી અબજો રૂ પિયાનો ધંધો કંપનીઓ કરી રહી છે. તાજેતરમાં જ આવી કંપનીઓ દ્વારા સરકાર પાસે દવા બનાવવાની મંજૂરી માંગવામાં આવી હતી. એબોટ, લુપીન, માઈક્રોલેબ્સ, મેકલીયોડ ફાર્મા, સિપલા, સ્ટ્રાઈડર્સ ફાર્મા અને ડોેકટર રેડી લેબોરેટરી દ્વારા પોતાની બ્રાન્ડની ફેવીપીરાવીર દવાઓ ટૂંક સમયમાં લોંચ કરવામાં આવશે. અલબત આ દવા અસરકારક રહેશે કે નહીં તે મુદ્દે હજુ મોટો પ્રશ્ર્ન છે. અગાઉ ગ્લેનમાર્ક દ્વારા આવી દવાઓનું ધોમ પ્રમોશન કરવામાં આવતું હતું.
આ દવાની એક ટેબલેટ ૧૦૩ રૂપિયામાં વેંચાતી હતી. ત્યારબાદ રાતો-રાત દવાના ભાવમાં કડાકો બોલી ગયો હતો અને રૂ.૭૫માં વેંચાવા લાગી હતી. આવી દવામાં હજુ ભાવ ઘટાડો થશે તેવી ધારણા છે.
આ ઉપરાંત ગુજરાત સહિત દેશના ખુણે-ખુણે રોગપ્રતિકારક શક્તિ વધારતા હોવાના નામે ઉકાળાનું વેંચાણ થઈ રહ્યું છે જે પણ ખુબ જોખમી હોય શકે. આવા ઉકાળાને વેંચીને સંસ્થાઓ અબજો રૂ પિયાનો વેપલો કરી રહી છે. જે ખુબજ નિંદનીય છે. ઉકાળાથી કોરોના વાયરસનો ચેપ લાગશે નહીં તે વાત પાયાવિહોણી હોય શકે. લોકોને કોરોનાથી ડરાવી ધોમ રૂપિયા સરકાર રળી રહી છે.
- શારીરિક સહવાસમાં હળવાસ આપતુ બજાર ૬૫% ઉચકાયું
કોરોના મહામારી વચ્ચે લોકોને માનસિક હળવાસ મળે તેવા શારીરિક સહવાસને અનુકુળતા આપતા હોય તેવા સાધનોના બજારમાં ૬૫ ટકાનો તોતીંગ વધારો જોવા મળ્યો છે. સેક્સ્યુઅલ વેલનેસ માર્કેટમાં આજ સુધી આવી બુમ ક્યારેય જોવાઈ નહોતી. લોકડાઉનમાં આ માર્કેટની બલ્લે-બલ્લે થઈ ગઈ છે. સરકારે ઘરે રહો, સુરક્ષીત રહોનું સુત્ર આપ્યું ત્યારે ૩૫૦૦૦ સેક્સ પ્રોડકટ વેંચાવા લાગી હતી. માત્ર વૈશ્ર્વિકસ્તરે નહીં પરંતુ ભારતમાં પણ સેક્સ ટોયઝનું બજાર ઉંચકાયું હતું. આ બજાર હવે ૨૦૨૬માં અનેકગણુ વધી જશે. વિશ્ર્વમાં સેક્સમાં હળવાસ આપતા પ્રોડકટની બાબતે ભારત અત્યારે પાંચમાં ક્રમે છે. ઓનલાઈન ટ્રેન્ડના આંકડા પરથી થયેલા સર્વેમાં એક વાત સામે આવી હતી કે, સેક્સ્યુઅલ વેલનેસના માર્કેટમાં ૬૪ ટકા ગ્રાહકો પુરુષ હતા. ખાસ કરીને વિજયવાડા, જમસેદપુર અને જબલપુર સહિતના શહેરોમાંથી ગ્રાહકોનો ધસારો વધુ જોવા મળ્યો હતો. મોટાભાગના ગ્રાહકો ૨૫ થી ૩૪ વર્ષની વચ્ચેની વયના હતા. એમ કહી શકાય કે સરકારે જાહેર કરેલું લોકડાઉન સેકસ્યુઅલ વેલનેસની બજાર માટે સારા પરિણામો લઈ આવ્યું હતું.
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માનસિક સ્વસ્થતા પણ જરૂરી
વર્તમાન સમયે અનેક દવાઓ અને ઉકાળા રોગપ્રતિકારક શક્તિ વધી જશે તેવા દાવા કરે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ ક્યારેય રાતો રાત બુસ્ટ થાય નહીં. આ ઉપરાંત માત્ર એક જ ગોળીથી રોગપ્રતિકારક શક્તિ વધે નહીં તે વાત હકીકત છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શારીરિક એક્ટિવીટીની સાથો સાથ અનેક બાબતો અસર કરે છે. જેમ કે, માનસિક તણાવ ઘટાડવું, પુરતી ઉંઘ લેવી અને ખાવાપીવાની આદતોમાં સુધારો કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. આ ઉપરાંત વિટામીન-એ, સી, ડી, બી-૬, બી-૧૨ સહિતના વિટામીન પણ રોગપ્રતિકારક શક્તિ સાથે સીધો સંબંધ ધરાવે છે. અમુક ઉમરમાં અમુક માત્રામાં પ્રોટીન લેવું પણ જરૂ રી છે. એમીનો એસીડ પણ મહત્વનો ભાગ ભજવે છે. એક અભ્યાસ મુજબ વ્યક્તિને દર ૧ કિલો વજન દીઠ ૧ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. જેમ કે, કોઈ વ્યક્તિના શરીરનું વજન ૭૦ કિલો થતું હોય તો તેને દરરોજ ૭૦ ગ્રામ પ્રોટીન ખોરોકમાં લેવું જરૂ રી છે. માત્ર કોઈ એક વસ્તુ પર તૂટી પડવાથી શરીરમાં પ્રોટીન જળવાતું નથી તેના માટે અલગ અલગ ખોરાક લઈ શકાય, જેમ કે ભાત, દાળ, બ્રેડ, ઈંડા, કઠોળ અને દૂધ જેવો ખોરાક તંદુરસ્તી આપે છે. એમીનો એસીડ અમુક પ્રકારના ખોરાકમાં જ જોવા મળે છે.
- સરકારની મથામણ વચ્ચે કોરોનાના કેસ ૫૦,૦૦૦ને પાર
દેશમાં કોરોના મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૩ લાખ નજીક પહોંચી ચૂકી છે. દરરોજ ૫૦,૦૦૦ કેસ નોંધાય છે અને મોતનો આંકડો પણ દરરોજ ૮૦૦ નજીક પહોંચી જાય છે. સરકારે મહામારીને રોકવા માટે ઉંધામાથે પ્રયત્નો કર્યા છે પરંતુ તેના અસરકારક પરિણામ ઓછા જોવા મળે છે. તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પં.બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં સતત વધતા કેસ મુદ્દે સરકાર ચિતીત છે અને કેન્દ્ર સરકારે આરોગ્યને લગતુ ઈન્ફાસ્ટ્રકચર તાત્કાલીક ઉભુ કરવાની કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત રાજસ્થાન સરકારે પ્લાઝમાં બેંક સ્થાપવાની પણ તૈયારી કરી છે. ભારતની જેમ બ્રાઝીલમાં પણ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાયો હતો પરંતુ ભારતમાં એકાએક આવેલો ઉછાળો ખુબજ ચિંતાજનક છે.
- મેન્ટલ હેલ્થના ડોકટરની તાતી જરૂર
દેશમાં ૮૦ ટકા જેટલા લોકોની મેન્ટલ હેલ્થમાં તકલીફ જોવા મળે છે. સામાન્ય રીતે લોકોને ઉંઘની દવા આપીને માનસિક સ્વાસ્થ્યમાં રાહત થશે તેવો દાવો તબીબો દ્વારા થતો હોય છે. અલબત હાલ દેશમાં મેન્ટલ હેલ્થને લગતા તબીબોની તાતી જરૂ ર ઉભી થઈ છે. હિપ્નોટાઈઝ સહિતની પદ્ધતિથી માનસિક તકલીફને નિવારવામાં આવતી હોય છે. આ ઉપરાંત તણાવ ઘટાડવા માટે કેટલીક દવા અસરકારક છે પરંતુ સંપૂર્ણ મેન્ટલ હેલ્થ ઉપર જ ધ્યાન કેન્દ્રીત રાખતા હોય તેવા તબીબોની સંખ્યા જુજ છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોની મેન્ટલ હેલ્થ ઉપર અસર થઈ છે. આવા સંજોગોમાં જો તબીબોની સંખ્યા વધે તે આવશ્યક છે. કોરોનાની મહામારીએ ઘણાને માનસિક અસ્વસ્થ કર્યા છે. જેમ કોરોનાએ શારીરિક તકલીફો પહોંચાડી છે તેટલી જ માનસિક તકલીફો પણ આપી છે.