રાજકોટ, જામનગર, બોટાદ, દ્વારકામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: રૂ .૨.૫૯ લાખનો મુદ્દામાલ કબજે
સૌરાષ્ટ્રમાં જુદા જુદા શહેરોમાં ચાલતા ૧૦ જુગારધામ પર પોલીસે દરોડો પાડી રોકડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત રૂ.૨.૫૯ લાખના મુદ્દામાલ સાથે ૧૦ મહિલા સહિત ૬૯ શકુનીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ પોલીસે જુગારના દરોડા પાડી મિલપરા શેરી નં.૩ ઉજસ એપાર્ટમેન્ટમાંથી જુગાર રમતી ૩ મહિલા સહિત ૫ પત્તાપ્રેમીઓને રૂ.૧૫૧૪૦ની રોકડ રકમ સાથે ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યા છે. અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે એકલવ્યનગર મફતીયાપરામાં જુગાર રમતા ૫ મહિલા સહિત ૭ શખસોને રૂ.૧૧૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં જુદા જુદા સ્થળે બે જગ્યાએ ચાલતા જુગારધામ પર પંચકોશી-બી ડીવીઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડી રૂ.૧૦૨૯૦ની રોકડ રકમ સાથે ૭ જુગારીઓને ઝડપી પાડ્યા છે. અન્ય દરોડામાં પ્રશાંતનગર વિસ્તારમાં પોલીસે ૨ મહિલા સહિત ૭ શકુનીઓને રૂ.૧૦૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ભાણવડમાં ૧૫ જુગારીઓને રૂ.૧.૪૮ લાખના મુદ્દામાલ સાથે પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા છે. જ્યારે ગીર ગઢડામાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૧૩૬૩૦ના મુદ્દામાલ સાથે, ઓખા મરીન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા ૯ શખસોને રૂ.૫૪૦ રોકડ રકમ સાથે, દ્વારકામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી રૂ.૨૨૬૦૦ના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને જ્યારે બોટાદ પોલીસે રૂ.૧૫૮૦૦ના મુદ્દામાલ સાથે ૫ શકુનીઓને અને ભાણવડમાં ૪ જુગારીઓને રૂ.૧૧૭૫૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.